બેન્કોના ખાનગીકરણના વિરોધમાં બેન્ક કર્મચારીઓ દ્વારા દેશવ્યાપી હડતાળનું એલાન કરવામાં આવ્યું છે. જેમાં તેઓ 7 ડિસેમ્બરે ધરણાં કરશે અને આગામી તા. 16–17 ડિસેમ્બરના રોજ બે દિવસની હડતાળ કરશે એવી જાહેરાત કરવામાં આવી છે. લડતની પૂર્વ તૈયારીના ભાગરૂપે ગુજરાતમાં 7 ડિસેમ્બરના રોજ સુરત, વડોદરા, અમદાવાદ, રાજકોટ અને ભાવનગરમાં બેન્ક કર્મચારીઓ ધરણાં કરશે. જ્યારે અન્ય શહેરોમાં બેન્ક કર્મચારીઓ દેખાવો કરશે. 16-17 ડિસેમ્બરના રોજ ગુજરાતના 25 હજાર કર્મચારીઓ અધિકારીઓ હડતાળમાં જોડાશે.
ગુજરાત બેન્ક વર્કર્સ યુનિયનના જણાવ્યા મુજબ, અગાઉ જે બેન્કને ખાનગી માટે લાઇસન્સ આપ્યા હતા તેમાંથી મોટાભાગની બેંકો આગળ જતા બંધ થઈ ગઈ છે અને છેલ્લે તેનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું છે. બેન્કોના ખાનગીકરણને કારણે લોકોને પણ મુશ્કેલી ભોગવવી પડશે તેમ જ બેન્ક ચાર્જમાં પણ વધારો થશે એવો દાવો કરવામાં આવ્યો છે. ધિરાણ અને જરૂરિયાતમંદોને મેળવવામાં મુશ્કેલી પડશે. બેંક કર્મચારીઓ છેલ્લા કેટલાંક વર્ષોથી પોતાની માગ સાથે સૂત્રોચ્ચાર અને ધરણાં તેમજ હડતાળો પાડી રહ્યાં છે તેને કારણે આખરે તો સામાન્ય નાગરિકો અને વેપારીઓને જ હાડમારી ભોગવવી પડે છે.

