ગાંધીનગર, મંગળવાર
લક્ઝમબર્ગ-ગ્રાન્ડ ડચીના રાજદૂત પેગી ફ્રેન્ટઝેને ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત લીધી હતી. તેમણે મુખ્યમંત્રી સાથેની વાતચીતમાં જણાવ્યું કે, તેમના રાષ્ટ્રની એક કંપની કચ્છના મુંદ્રામાં 100 કરોડ રૂપિયાના રોકાણ સાથે પોતાનું યુનિટ સ્થાપવાની છે. લક્ઝમબર્ગ રાજદૂતે ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં લક્ઝમબર્ગ સ્ટોક એક્સચેંજ શરૂ કરવાની પણ તત્પરતા વ્યક્ત કરી હતી. પેગી ફ્રેન્ટઝેને મુખ્યમંત્રીને તેમના કાર્યકાળમાં યોજાઇ રહેલી આ પ્રથમ વાયબ્રન્ટ સમિટની સફળતાની શુભેચ્છાઓ પાઠવી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમને કહ્યું કે, વિસ્તારની દૃષ્ટિએ નાનો દેશ હોવા છતા લક્ઝમબર્ગની આઠ-દસ કંપની – ઉદ્યોગો ભારતમાં કાર્યરત છે તે આવકાર્ય છે. તેમણે વધુમાં જણાવ્યું કે, ગુજરાતમાં આઇટી ફાઇનાન્સિયલ સર્વિસીઝ, મેડીકલ ડિવાઇસિઝ અને રિન્યુએબલ એનર્જીના ક્ષેત્રોમાં ઘણી પ્રગતિ થઇ છે. આગામી વાયબ્રન્ટ સમિટ-2022માં લક્ઝમબર્ગના ઉદ્યોગો આ સેક્ટરમાં સહભાગિતા માટે આગળ આવે તો આ સાઝીદારી ભારત-ગુજરાત- લક્ઝમબર્ગ માટે ઉપયુક્ત બનશે એમ પણ ભૂપેન્દ્ર પટેલે ઉમેર્યું હતું. મુખ્યમંત્રીએ લક્ઝમબર્ગ રાજદૂતને સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેવાનું આમંત્રણ પાઠવીને આગામી વાયબ્રન્ટ 2022માં તેમના દેશના ઉચ્ચસ્તરિય પ્રતિનિધિમંડળ સાથે જોડાવા પણ નિમંત્રણ આપ્યું હતું. મુખ્યમંત્રીએ લક્ઝમબર્ગ રાજદૂતને સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિકૃતિ સ્મૃતિભેટરૂપે અર્પણ કરી હતી. મુખ્યમંત્રીના મુખ્ય અગ્રસચિવ કૈલાશનાથન તેમજ ઉદ્યોગ કમિશનર રાહુલ ગુપ્તા, ઇન્ડેક્ષ-બીના એમ.ડી. શ્રીમતિ નિલમ રાની આ બેઠકમાં જોડાયા હતા.

