બિહારના તમામ મંદિરોનું રજીસ્ટ્રેશન ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. બિહાર ધાર્મિક ન્યાસ બોર્ડે નવા નિર્ણયમાં કહ્યું છે કે બિહારના દરેક સાર્વજનિક મંદિરની નોંધણી અનિવાર્ય કરી દેવામાં આવી છે. મંદિરોને ચાર ટકા ટેક્સ પણ ભરવો પડશે.
ધાર્મિક ન્યાસ બોર્ડ 1 ડિસેમ્બરથી અભિયાનચલાવીને આ સુનિશ્ચિત કરશે. બોર્ડે તમામ જિલ્લાના જિલ્લાધિકારીઓ પાસેથી રજીસ્ટર્ડ મંદિરોની યાદી માંગી છે. સૂત્રો મુજબ, હજી સુધી માત્ર ભોજપુરે આ યાદી જાહેર કરી છે. બોર્ડે કહ્યું છે કે બિહારમાં 4600 રજિસ્ટર્ડ મંદિર છે. હજી આ જ મંદિર ટેક્સ ભરે છે. જ્યારે બિહારમાં ઘણી મોટી સંખ્યામાં નાના-મોટા ઘણાં અન્ય મુખ્ય મંદિરો પણ છે. આ મંદિરોનું રજિસ્ટ્રેશન થયું નથી અને ન તો તે ટેક્સ ભરે છે. બિહાર ધાર્મિક ન્યાસ બોર્ડનું કહેવું છે કે હવે બિહારના દરેક મંદિરનું રજિસ્ટ્રેશન કરાવવું પડશે. જો લોકો ત્યાં દર્શન કરવા માટે આવે છે, તો ચાર ટકા ટેક્સ ભરવો પડશે.
બિહારના રાજ્ય ધાર્મિક ન્યાસ પરિષદના અધ્યક્ષ એ. કે. જૈને કહ્યુ છે કે રાજ્યમાં લગભગ 4600 મંદિરોની નોંધણી થયેલી છે. તેનાસિવાય પણ રાજ્યમાં ઘણાં મુખ્ય મંદિર છે કે જેમનું રજિસ્ટ્રેશન થયું નથી. આ સિવાય કેટલાક મોટા મંદિર, રજિસ્ટ્રેશન બાદ પણ બોર્ડને નિયમિત ટેક્સ આપી રહ્યા નથી. જણાવવામાં આવે છે કે પહેલેથી રજિસ્ટર્ડ મંદિરોની જમીન સંદર્ભે જાણકારી પ્રાપ્ત કરવા માટે જિલ્લાધિકારીઓને કાયદા મંત્રાલય દ્વારા પત્ર લખવામાં આવ્યો છે. ધાર્મિક ન્યાસ બોર્ડના સદસ્ય અને મહંત વિજય શંકર ગિરીએ કહ્યુ છે કે જે મંદિરોમાં બહારના લોકો પૂજા-અર્ચના કરે છે, તે તમામ જાહેર પૂજાસ્થાનો તરીકે ગણવામાં આવશે. તમામે પોતાનું રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ ટેક્સ આપવો પડશે.

