HomeGujaratમહેસૂલ મંત્રીની શિખામણ ઝાંપા સુધી : મહેસૂલ વિભાગના કર્મચારીઓ સુધરવાના જ નથી 

મહેસૂલ મંત્રીની શિખામણ ઝાંપા સુધી : મહેસૂલ વિભાગના કર્મચારીઓ સુધરવાના જ નથી 

ગાંધીનગર,સોમવાર

ગુજરાતમાં નવી સરકાર રચાયા બાદ સરકારના તમામ વિભાગોમાં સરકારી કામકાજ માટે લોકોને હેરાન ન થવું પડે તે માટે આદેશ કરાયા છે. મહેસૂલ વિભાગમાં સૌથી વધારે ગેરરીતિ આચરવામાં આવી રહી છે અને તેના અધિકારીઓ ખેડૂતોને ગાંઠતા નથી તેવી ફરિયાદો પણ વારંવાર ઊઠતી આવી છે. મહેસૂલ મંત્રી પણ આવા અધિકારીઓ અને કર્મચારીઓ પ્રત્યે આકરૂં વલણ દાખવી રહ્યા છે અને સ્પષ્ટ ચેતવણી પણ આપી ચૂક્યા છે. જાે કે, તેમ છતાં પણ અધિકારીઓ સુધરવા માગતા નથી અને ખેડૂતોને યેનકેન પ્રકારે હેરાન કરી રહ્યા છે. રાજકોટ ભાજપના નેતાએ જ મહેસૂલ વિભાગના અધિકારીઓની પોલ ખોલી છે અને છેક મુખ્યમંત્રી સુધી લેખિતમાં રજૂઆત કરી છે. ભાજપની સરકારમાં ભાજપના જ નેતાએ ભ્રષ્ટાચારને ઉજાગર કરતાં મહેસૂલ મંત્રીને પણ એક્શનમાં આવવાની ફરજ પડી છે. 

   નવી સરકાર રચાયા બાદ તમામ મંત્રીઓએ પોતાના તાબાના વિભાગના અધિકારીઓને આદેશ કરી દીધા છે કે, ઓફિસમાં કામ માટે આવતા લોકોને ધક્કા ખવડાવવામાં આવે નહી. જાે કે, શેઠની શિખામણ ઝાંપા સુધી હોય તેમ અધિકારીઓ પણ ગાંઠતા નથી. રાજકોટ ભાજપના નેતા ચેતન રામાણીએ ખેડૂતોને પડતી હાલાકી મામલે મુખ્યમંત્રી સુધી ફરિયાદ કરી છે. રેવન્યૂ અધિકારીઓ ખોટી રીતે ખેડૂતો પાસેથી તોડ કરી રહ્યા છે અને પૈસા વગર કામ થતું ન હોવાનું પણ કહ્યું હતુંં. કેટલાક અરજદારો છેલ્લા બે વર્ષથી પોતાના કામ માટે ધક્કા ખાઈ રહ્યા છે પણ અધિકારીઓ ટલ્લે ચડાવી રહ્યા છે. ખેડૂતો ખાતેદાર હોવા છતાં તેમની અરજીઓ અધિકારીઓ નામંજૂર કરી રહ્યા છે અને બદલામાં પૈસાની અપેક્ષા રાખી રહ્યા છે.

   બે હજારની ફી ભર્યા પછી પણ ખેડૂતો બે વર્ષથી ધક્કા ખાઈ રહ્યા છે છતાં તેમના કામ થતા નથી. અધિકારીઓ ખોટી રીતે ક્વેરી કાઢીને ખેડૂતોને પરેશાન કરી રહ્યા છે. આ મામલે ઘટતું કરવામાં આવે તે માટે મુખ્યમંત્રી સુધી લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. આ મામલે મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું હતું કે, આવી મને કોઈ ફરિયાદ મળી નથી. ફરિયાદ મળશે તો ચોક્કસ આવા અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, મહેસૂલ મંત્રી અગાઉ પણ ભ્રષ્ટાચારને લઈ નિવેદન આપી ચૂક્યા છે અને કોઈપણ કાળે ભ્રષ્ટાચાર ચલાવી લેવામાં આવશે નહી તેવી ચીમકી આપી હતી. જાે કે, મહેસૂલ મંત્રીની ચીમકીને પણ કેટલાક મહેસૂલ વિભાગના અધિકારીઓ ઘોળીને પી જઈ રહ્યા છે. માત્ર રાજકોટ પૂરતી આ વાત સીમિત નથી અને સમગ્ર રાજ્યમાં મહેસૂલ વિભાગના અધિકારીઓ પોતાની મનમાની ચલાવી રહ્યા છે અને ખેડૂતોને ધરમના ધક્કા ખવડાવી રહ્યા છે. આવા અધિકારીઓની સાન ઠેકાણે લાવવામાં આવે તેવું ખેડૂતો ઈચ્છી રહ્યા છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,360SubscribersSubscribe

TRENDING NOW