ગાંધીનગર,રવિવાર
ગુજરાતમાં 2022માં યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસને મોટો ઝટકો પડ્યો છે. બનાસકાંઠાની વડગામ બેઠકના પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસ સાથે 30 વર્ષ કરતાં વધારે સમયથી સંકળાયેલા મણિભાઈ વાઘેલાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. 2017માં મેન્ડેટ આપવાનું કહીને પણ કોંગ્રેસે વચન પાળ્યું નહોતું અને અપક્ષ ઉમેદવાર મેવાણીને સમર્થન કર્યું હતું. હવે મેવાણી કોંગ્રેસમાં જાેડાઈ ચૂક્યા છે ત્યારે વાઘેલાને 2022માં ટિકીટ મળે તેવા કોઈ અણસાર નથી અને તેથી તેઓએ રાજીનામું આપી દીધું છે. રાજકીય અટકળો મુજબ વાઘેલાને ભાજપ ઉમેદવાર બનાવી શકે છે અને મેવાણીને મજબૂત ટક્કર આપી શકે છે.
2017માં રાજ્યસભાની ચૂંટણી દરમિયાન કોંગ્રેસમાંથી 14 જેટલા ધારાસભ્યોએ રાજીનામા આપી દીધા હતા અને ભાજપમાં પ્રવેશ્યા હતા. કોંગ્રેસના પાયાના કાર્યકરો અને વફાદાર ધારાસભ્યોની ઉપેક્ષા થતી હોવાનું વારંવાર સામે આવ્યું છે. હવે તેમાં મણિલાલ વાઘેલાનું નામ પણ ઉમેરાયું છે. બનાસકાંઠાની વડગામ બેઠક ઉપર તેઓ કોંગ્રેસના મજબૂત ઉમેદવાર રહ્યા છે અને 30વર્ષ કરતાં વધારે સમયથી કોંગ્રેસ સાથે સંકળાયેલા છે. ૨૦૧૨ની વિધાનસભાની ચૂંટણીમાં તેમણે ભાજપના રમણ વોરાને હરાવ્યા હતા. જાે કે, 2017ની ચૂંટણીમાં કોંગ્રેસે મેન્ડેટ આપ્યો નહોતો અને અપક્ષ ઉમેદવાર તરીકે ઉભા રહેલા જિજ્ઞેશ મેવાણીનું સમર્થન કર્યું હતું. આ અન્યાયથી વાઘેલા સમસમી ઊઠ્યા હતા.
પરંતુ કોંગ્રેસ તરફથી આશ્વાસન આપવામાં આવ્યું હતું કે, 2022માં ટિકીટ આપવામા આવશે. વાઘેલાએ કહ્યું કે, રાજ્યસભાની ચૂંટણી વખતે મને પણ ઓફર આવી હતી પણ કોંગ્રેસના પાયાના કાર્યકર હોવાથી પ્રલોભનમાં ફસાયો નહોતો. 30 વર્ષથી પાર્ટીમાં વફાદારીથી કામ કર્યું હોવા છતાં મારા અવાજને દબાવી દેવામા આવ્યો હતો. પ્રદેશ પ્રમુખની અણ આવડતના કારણે અન્યાય સહન કરવો પડ્યો છે. કોંગ્રેસમાં સતત મારી ઉપેક્ષા થતી હતી જેથી નાછૂટકે રાજીનામું આપવાની ફરજ પડી છે. મણિલાલ વાઘેલા દલિત નેતા છે અને તેઓ વડગામ સહીત બનાસકાંઠા જિલ્લામાં લોકપ્રિય છે. 2022ની ચૂંટણી પહેલા એક એવું સમીકરણ આકાર પામી શકે છે કે, વાઘેલા ભાજપમાં જાેડાઈ શકે છે અને વડગામ બેઠક ઉપરથી ભાજપ મેદાનમાં ઉતારી શકે છે અને મેવાણીને મજબૂત ટક્કર આપી શકે છે. ભાજપે પણ આ તૈયારીઓ પૂર્ણ કરી દીધી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આવનારા દિવસોમાં કોંગ્રેસને આ ઝટકો મોટું નુકસાન કરી શકે છે તેમાં બેમત નથી. દલિત સમાજ પણ બે ભાગોમાં વહેચાઈ જઈ શકે છે અને ભાજપ એ તકનો લાભ લેવાનું ક્યારેય ચૂકશે નહી.

