અત્યારે સમગ્ર રાજ્યમાં લગ્નની મૌસમ ચાલે છે. લગ્નમાં કે લગ્ન હોલ,વાડીની આસપાસ ચોરી કરતી ગેંગ પોતાના શિકાર શોધતી હોય છે. પછી ખુશીનો પ્રસંગ દુઃખદ ઘટનામાં ફેરવાય જાય છે.
તેવા સમયમાં અમદાવાદ શહેર પોલીસે ખાસ મદદ કરવા એક ચોક્કસ પ્લાન તૈયાર કર્યો છે. અમદાવાદ શહેરના જુદા જુદા એરિયામાં આવેલા પાર્ટી પ્લોટ, વાડી અને સમાજના પ્રમુખ સાથે પોલીસે ચોક્કસ પ્રકારની વિગત મેળવીને આવનારા દિવસોમાં લગ્નના દિવસે મહેમાનની સાથે પોલીસ હાજર રહેશે. આ અંગે DCP ઝોન 3 મકરંદ ચૌહાણે જણાવ્યું કે, અમે લગ્ન સમયે અને આસપાસ થતી ચોરી અંગે જાગૃતિ લાવવા માટે ખાસ આયોજન કર્યુ છે. આ માટે પોલીસ લગ્ન પ્રસંગ હાજર રહેશે.
લગ્ન પ્રસંગે અનેક લોકો પોતાની કિંમતી વસ્તુઓ પહેરી તથા સાથે રાખીને લગ્નપ્રસંગમાં આવે છે, એ બધાની વચ્ચેના યજમાન અને મહેમાનની કિંમતી વસ્તુઓ પર ખાસ ટોળકીની બાજનજર હોય છે. આ ટોળકી એમાં સંબંધીઓ સાથે ભળી જાય છે. લોકોનો કિંમતી માલ સામાન લઈને આંખના પલકારામાં છું થઈ જાય છે. અમદાવાદ ઝોન-3ના DCP મકરંદ ચૌહાણ જણાવ્યું હતું કે, પોલીસ પાર્ટી પ્લોટ હોલ, સમાજની વાડી અને એવા ખુલ્લા પ્લોટ કે જ્યાં લગ્નપ્રસંગ થાય છે. તેની વિગતો મેળવી લીધી છે. કયા દિવસે ક્યા વિસ્તારમાં કેટલા લગ્ન છે તે જાણવા માટે ખાસ ડેટા એકઠો કરેલો છે. પોલીસ લગ્નના પહેલા પરિવારને મળીને તેમને તેમની કિંમતી વસ્તુઓ કઈ રીતે સાચવીને રાખવી, કઈ રીતે અજાણ્યા માણસો પર નજર રાખવી પૂરતું ગાઈડન્સ આપશે.
આ બધાની સાથે એ વખતે લગ્નમાં ખાનગી ડ્રેસમાં પોલીસ કર્મચારીઓ હાજરી આપશે. જે ચોરી થવાના બનાવ પાર્ટી પ્લોટ કે આસપાસના વિસ્તારમાં કારના કાચ તોડીને બને છે. તે સંદર્ભે પણ પોલીસ સતત પેટ્રોલિંગ કરશે. આ અંગે અમે વિવિધ સમાજના લોકો સાથે મિટિંગ કરી તેમને ડેમોસ્ટ્રેશન આપ્યું છે. કોઈ ગફલત ન રહી જાય તે માટે ખાસ માહિતગાર કર્યા છે. લોકો લગ્ન પ્રસંગમાં વ્યસ્ત હોય ત્યારે કોઈ અજાણી વ્યક્તિ આવીને કિંમતી વસ્તુ પર હાથફેરો કરી જાય ત્યારે પરિવારને ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. અમે લોકોને જણાવીએ છીએ કે, તમારે કોઈ પણ મદદની જરૂર હોય તો તરત પોલીસનો સંપર્ક કરવો.