મોરબી જિલ્લાના મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો દ્વારા તેલીબિયાં પાક, ખાસ કરીને મગફળી માટે ઓનલાઈન અરજી કરવામાં આવી છે. ખેડૂતોના જણાવ્યા મુજબ મચ્છુ-2ના કમાન્ડ એરિયામાં આવતા ગામોમાં આગામી 27 મે, 2026ના રોજ કેનાલમાંથી પાણી છોડવામાં આવનાર છે. ઉપરાંત નદી કાંઠાના ગામોમાં, જ્યાં નદીના પાણી દ્વારા સિંચાઈ કરવામાં આવે છે, ત્યાં પણ વાવણીની તૈયારી શરૂ થઈ રહી છે. આ પરિસ્થિતિમાં ખેડૂતો માટે બિયારણની તાત્કાલિક જરૂરિયાત ઊભી થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. ખેડૂતોનું કહેવું છે કે જો સમયસર બિયારણ કીટ ઉપલબ્ધ નહીં થાય તો વાવણી કાર્ય મોડું પડી શકે છે, જેના કારણે પાક ઉત્પાદન ઉપર અસર થવાની ભીતિ છે.
ખેડૂતોએ સંબંધિત વિભાગને રજૂઆત કરીને આગામી બે દિવસમાં બિયારણ કીટનું વિતરણ કરવામાં આવે તેવી માંગણી કરી છે, જેથી ખેડૂતો સમયસર વાવણી કરી શકે. સાથે જ ખેડૂતો દ્વારા તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવાની અપીલ કરવામાં આવી છે.

