આર્થિક રીતે સદ્ધર અને માનવતાવાદી ગણાતા મોરબી શહેરમાંથી એક એવી હૃદયદ્રાવક અને કંપારી છૂટી જાય તેવી ઘટના સામે આવી છે, જેને દેશભરમાં મહિલા સુરક્ષાના મસમોટા દાવા કરતી સરકાર અને પોલીસ તંત્રની પોલ ખોલી નાખી છે. મોરબીમાં મજૂરી અર્થે આવેલા એક શ્રમિકે માત્ર રૂ. ૨,૦૦૦નું મકાન ભાડું ન ચૂકવી શકવાના કારણે પોતાની સગા વ્હાલથી વહાલી પત્ની અને સગીર વયની દીકરીને હવસખોર મકાન માલિકના હવાલે કરી દીધી હતી. આ નરાધમ મકાન માલિક અને તેના સાથીદારે માસુમ દીકરી અને માતા પર બળાત્કાર ગુજારી માનવતાને કલંકિત કરી છે,
મળતી વિગત મુજબ, આ પીડિત પરિવાર આશરે ૬ મહિના પહેલા જ મોરબી ખાતે મજૂરી કામ અર્થે આવ્યો હતો. પરિવાર આર્થિક રીતે અત્યંત સંકડાશમાં હોવાથી અહીં એક મકાન રૂ. ૨,૦૦૦ ના માસિક ભાડે રાખ્યું હતું. જો કે, ગરીબીના કારણે આ શ્રમિક મકાનનું ભાડું ચૂકવી શક્યો ન હતો. આ કળિયુગી જમાનામાં પિતા જ રક્ષકને બદલે ભક્ષક બન્યો હોય તેમ, આ શ્રમિકે મકાન ભાડાના બદલામાં પોતાની જ પત્ની અને સગીર પુત્રીને નરાધમ મકાન માલિકને સોંપી દીધી હતી. જે બાદ મકાન માલિક અને અન્ય શખ્સોએ આ બંને લાચાર મહિલાઓને પોતાની હવસનો શિકાર બનાવી પીંખી નાખી હતી.
આ અત્યંત ગંભીર અને શરમજનક ઘટનાની જાણ જ્યારે પીડિત મહિલાની માતા (બાળકીની નાની) ને થઈ, ત્યારે તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. તેમણે તાત્કાલિક હિંમત દાખવી મોરબી એ-ડિવિઝન પોલીસ મથકનો સંપર્ક કર્યો હતો અને પોતાના સગા જમાઈ (પીડિત બાળકીના પિતા), મકાન માલિક અને અન્ય અજાણ્યા શખ્સો સામે દુષ્કર્મ તથા પોક્સો (POCSO) એક્ટ હેઠળ ગુનો નોંધાવ્યો હતો.
ફરિયાદ નોંધાતાની સાથે જ મોરબી પોલીસ સફાળી જાગી હતી અને તાત્કાલિક એક્શન મોડમાં આવી ગઈ હતી. પોલીસે સૌપ્રથમ પોતાની જ દીકરી અને પત્નીનો સોદો કરનાર નરાધમ પિતાની ધરપકડ કરી હતી. ત્યારબાદ ઘનિષ્ઠ તપાસ ચલાવીને મુખ્ય નરાધમ મકાન માલિક અને ગુનામાં સંડોવાયેલા અન્ય એક આરોપીને પણ દબોચી લઈ જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.
મોરબીની આ કાળજું કંપાવનારી ઘટનાની ગંભીરતા એટલી હદે છે કે તેના પડઘા રાષ્ટ્રીય સ્તરે પડ્યા છે. નવી દિલ્હી સ્થિત રાષ્ટ્રીય મહિલા આયોગ (National Commission for Women) દ્વારા આ ઘટનાની સુઓમોટો નોંધ લેવામાં આવી છે. આયોગે મોરબી પોલીસ અને ગુજરાત સરકારના મહિલા સુરક્ષાના દાવાઓ સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે અને આ કેસમાં અત્યાર સુધી પોલીસે શું પગલાં લીધા, કઈ કલમો હેઠળ ગુનો નોંધ્યો અને પીડિતોની સ્થિતિ શું છે, તે અંગેનો સંપૂર્ણ અને વિગતવાર રિપોર્ટ તાત્કાલિક ધોરણે તલસ્પર્શી તપાસ સાથે મંગાવ્યો છે.

