નવી દિલ્હી, શનિવાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રણ કૃષિ કાયદા પાછા લેવાની ઘોષણા કરતા આંદોલન કરી રહેલા ખેડૂતોને પોતપોતાના ઘરે જવાની અપીલ કરી હતી. હવે કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે પણ ખેડૂતોને આંદોલન સમાપ્ત કરવાની અપીલ કરી છે. કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે શનિવારે કહ્યુ છે કે ત્રણ કૃષિ કાયદા પાછા લેવાની ખેડૂતોની માગણી માની લેવામાં આવી છે. તેવામાં હું માનું છું કે આંદોલનનો હવે કોઈ મતલબ રહેતો નથી.
કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે કહ્યુ છે કે સંસદના શિયાળુ સત્રના પહેલા જ દિવસે કૃષિ કાયદા પાછા લેવા માટેનું બિલ રજૂ કરવામાં આવશે. તેમણે ખેડૂતોને આંદોલન સમાપ્ત કરીને પોતાપોતાના ઘરે પાછા જવાની અપીલ કરી છે. સમાચાર એજન્સી સાથે વાત કરતા તોમરે કહ્યુ છે કે વડાપ્રધાન મોદીએ ઝીરો બજેટ ખેતી, એમએસપી સિસ્ટમને વધુ પારદર્શક બનાવવા માટે એક કમિટી બનાવવાની ઘોષણા કરી છે. આ કમિટીમાં ખેડૂત સંગઠનોના પ્રતિનિધિ પણ હશે.
તેમણે કહ્યુ છે કે આ સમિતિની રચનાથી એમએસપી પર કમિટી બનાવવાની ખેડૂતોની માગણી પણ પૂર્ણ થઈ ગઈ છે. કૃષિ મંત્રીએ ખેડૂત સંગઠનો તરફથી પરાલી સળગાવવાને ગુનાની શ્રેણીમાંથી બહાર રાખવાની માગણી કરી છે. ભારત સરકારે આ માગણીને પણ સ્વીકારી લીધી છે. જ્યાં સુધી વળતર અને કેસ પાછા લેવાનો સવાલ છે, રાજ્યોની સરકારો કેસની ગંભીરતના હિસાબથી તેને લઈને નિર્ણય લેશે. તેમણે કહ્યુ છે કે વળતર પણ રાજ્યોનો વિષય છે.
કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે કહ્યુ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફથી કરવામાં આવેલી કાયદા વાપસીની ઘોષણાનો આદર કરતા ખેડૂતોએ પોતાના આંદોલનને સમાપ્ત કરવું જોઈએ. કૃષિ મંત્રીના નિવેદન પર ખેડૂત નેતા ગુરનામસિંહ ચઢૂનીએ એક ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં કહ્યુ છે કે વધુ સ્પષ્ટતાની જરૂરત છે. કમિટી તરફથી શું ટાઈમલાઈન ફોલો કરવામાં આવશે, સરકાર એમએસપીને લઈને ક્યારે કાયદો બનાવશે.
ગુરનામસિંહ ચઢૂનીએ કહ્યુ છે કે આંદોલન કરી રહેલા ખેડૂતો વિરુદ્ધ નોંધાયેલા મામલાઓને લઈને સરકાર તરફથી હજી સુધી એકપણ શબ્દ કહેવામાં આવ્યો નથી. અમારી તમામ માગણીઓને પુરી કરવી પડશે. મહત્વપૂર્ણ છે કે કૃષિ કાયદાઓની વાપસીના એલાન બાદ ખેડૂત નેતાઓ તરફથી એ વારંવાર કહેવામાં આવી રહ્યું છે કે એમએસપીને લઈને કાયદો બનાવવા સુધી આંદોલન સમાપ્ત નહીં થાય.