અલ્પેશ પટેલ, ગાંધીનગર, શુક્રવાર
રાજ્યમાં બેકારીએ અજગરી ભરડો લીધો છે અને જ્યારે પણ સરકારી જાહેરાત પડે છે ત્યારે તેના ફોર્મ લાખોની સંખ્યામાં ઉમેદવારો ભરી રહ્યા છે. કોરોનાકાળના દોઢ વર્ષમાં સરકારી ભરતીઓ ટલ્લે ચડી હતી અને હવે સરકારી ભરતીઓ બહાર પડી રહી છે ત્યારે ઉમેદવારો પણ સરકારી નોકરી મેળવવા માટે ફોર્મ ભરી રહ્યા છે અને તૈયારીઓ આરંભી રહ્યા છે. તાજેતરમાં જ એલઆરડીની 10,459 જગ્યા માટે કુલ 9.60 લાખ ફોર્મ માન્ય રાખવામાં આવ્યા છે, આમાં કુલ 12 લાખથી વધારે ફોર્મ ભરાયાં હતા. આ સિવાય 2019માં બિન સચિવાલયની પરીક્ષા સ્થગિત કરાઈ હતી તે હવે લેવાશે અને તેની 3,009 જગ્યાઓ માટે અધધ 10 લાખથી વધારે ફોર્મ ભરાયા છે.
પીએસઆઈની 1,382 જગ્યાઓ માટે પણ 10 લાખથી વધારે ફોર્મ ભરાયાં છે. ભૂતકાળમાં એટલે કે કોરોનાકાળ પહેલા તલાટીની 1,800 જગ્યાઓ માટે રાજ્યભરમાંથી કુલ 19 લાખ ફોર્મ ભરાયા હતા. રાજ્યમાં બેકારીનો ગ્રાફ દિવસે દિવસે ઊંચકાઈ રહ્યો છે તો રાજ્ય સરકાર દાવો કરી રહી છે કે, દેશના અન્ય રાજ્યો કરતાં રોજગારી આપવામાં ગુજરાત અવ્વલ ક્રમાંકે છે. જાે કે, બેરોજગારોના આ આંકડા રાજ્ય સરકારના દાવાને પોકળ સાબિત કરી રહ્યા છે. હાલ એક સરકારી નોકરી માટે 200જેટલા ઉમેદવારો મેદાનમાં છે. સરકારી નોકરી માટે અરજદારોનો ક્રેઝ વધી રહ્યો છે પણ સામે નોકરીઓ નહીવત થઈ રહી છે. રાજ્યમાં બેકાર ઉમેદવારનો રાફડો ફાટ્યો છે અને એ પણ સત્ય હકીકત છે કે, દરેકને સરકારી નોકરી મળી શકે તેમ નથી.
રાજ્યમાં બેકારી નથી અને રોજગારી આપવામાં અન્ય રાજ્યો કરતાં ગુજરાત આગળ છે તેવા ભ્રામક પ્રવચનો જરૂરથી સાંભળવા મળે છે. જાે કે, આ વાતમાં કોઈ સચ્ચાઈ હોતી નથી પણ જ્યારે કોઈ સરકારી જાહેરાત બહાર પડે છે ત્યારે લાખોની સંખ્યામાં ઉમેદવારો ફોર્મ ભરે છે. રાજ્યમાં હાલ જુદી જુદી કેડરની 16 હજાર જેટલી જાહેરાતો બહાર પડી છે અને તેના માટે અધધધ કહી શકાય તેટલા 24 લાખ ફોર્મ ભરાયા છે. એક જગ્યા માટે 200 જેટલા ઉમેદવારો સરકારી નોકરીની રાહ જાેઈ રહ્યા છે. રાજ્યમાં બેકારી દિન પ્રતિદિન વધી રહી છે જે ચિંતાનો વિષય છે. દરેકને સરકારી નોકરી મેળવવી છે અને જેના કારણે હોંશિયાર ઉમેદવારો તનતોડ મહેતન પણ કરી રહ્યા છે. રાજ્યમાં એક એક જાહેરાત માટે જ્યાં 10 લાખ ફોર્મ ભરાતાં હોય ત્યારે એ વિચારવું અગત્યનું બની જાય છે કે, કોલેજાે બેકાર ઉમેદવારો બહાર પાડનારી ફેક્ટરીઓ બનીને રહી ગઈ છે.
રાજ્ય સરકાર નિયમિત ભરતી ન કરતાં બેરોજગારોની સંખ્યા વધતી જાય છે. સરકારના અનેક વિભાગોમાં કોન્ટ્રાક્ટ પદ્વતિ તેમજ આઉટસોર્સિંગથી કર્મચારીઓની ભરતી કરવામાં આવે છે. રાજ્યમાં હાલ એલઆરડીની 10 હજાર જગ્યા માટે આવેલી ભરતી માટે 9.60 લાખ ઉમેદવારોએ ઝંપલાવ્યું છે. આ બધા ઉમેદવારોને નોકરી મળવી શક્ય નથી તેમ છતાં પણ તેઓ મહેનત કરી રહ્યા છે. રાજ્યમાં શિક્ષિત બેકાર ઉમેદવારો સરકારી જાહેરાતની કાગડોળે રાહ જાેઈ રહે છે પણ જ્યારે લાખોની સંખ્યામાં ફોર્મ ભરાય છે ત્યારે પોતાને નોકરી મળશે કે કેમ તેના ઉપર શંકા-કુશંકાઓ ઉપજે છે. સરકારી નોકરી મેળવવી એ દરેક ઉમેદવાર ઈચ્છી રહ્યો છે કારણ કે, નોકરીની સલામતી ઉપરાંત અન્ય માન-મોભો પણ મળતો હોય છે. જાે કે, છેલ્લા કેટલાય સમયથી લાખોની સંખ્યામાં ફોર્મ ભરાતાં અનેક ઉમેદવારો ખાનગી નોકરીઓ તરફ પણ આકર્ષાયા છે.