રાજ્યમાં 10 હજારથી વધારે ગ્રામ પંચાયતોમાં આગામી 19મી ડીસેમ્બરના રોજ ચૂંટણી યોજાનાર છે. સરપંચ પદ માટેની ચૂંટણીને લઈ રાજકીય માહોલ ગરમાયો છે અને ગ્રામ્ય વિસ્તારોમાં હવે એક મહિનો દિવાળી જેવો માહોલ જાેવા મળશે. પંચાયતની ચૂંટણી રાજકીય ચિન્હ ઉપર લડાતી નથી પણ ભાજપ-કોંગ્રેસના સમર્થિત ઉમેદવારો હોય છે અને પોતાની જીતના દાવા કરતા હોય છે.
આ ચૂંટણી વિધાનસભા ચૂંટણી પહેલાનું ટ્રેલર બની રહેશે તેમા બેમત નથી. ભાજપે ગુમાવવાનું કશું નથી પણ કોંગ્રેસ માટે આ ચૂંટણી પ્રતિષ્ઠાનો જંગ બની રહેશે. કોંગ્રેસ હજુ સુષુપ્ત અવસ્થામાં છે ત્યારે ભાજપ તેનો ભરપૂર ફાયદો ઉઠાવવાના મૂડમાં જણાઈ રહ્યો છે. પંચાયતના પરિણામો ભાજપ માટે સારા આવશે તો વિધાનસભાની ચૂંટણીમાં પણ ભાજપ આસાનીથી જીતી જશે તેવી આશા ભાજપની પ્રબળ બનશે. હાલ ગ્રામ્ય વિસ્તારોમાં ચૂંટણીને લઈ રાજકારણ ગરમાયું છે. ભાજપે સમરસ પંચાયતો માટે ગ્રાન્ટ રૂપે નાણાની કોથળી ખુલ્લી મૂકી દીધી છે.
માર્ચમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને ત્યારબાદ ગાંધીનગર મહાપાલિકામાં કબજાે જમાવ્યા બાદ હવે ભાજપ ફૂલ ફોર્મમાં આવી ચૂકેલો છે. વિધાનસભાની ચૂંટણીની તડામાર તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. રાજ્યની 10 હજાર જેટલી ગ્રામ પંચાયતોમાં ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઈ ચૂક્યું છે. આ પંચાયતોમાં ભાજપ સમર્થિત ઉમેદવારો ચૂંટાય તે માટે તાજેતરમાં જ ગ્રાન્ટ સ્વરૂપે આ સહાયમાં વધારો કરાયો છે. વિધાનસભાની ચૂંટણી પહેલા ગ્રામ્ય વિસ્તારોમાં યોજાનારી આ ચૂંટણી ઉપર ભાજપ નજર રાખી રહ્યો છે. શહેરી મતદારો પરંપરાગત ભાજપના મતદારો રહ્યા છે પણ ગ્રામ્ય વિસ્તારોમાં ભાજપને નુકસાન થઈ રહ્યું છે. એ નુકસાનને ખાળવા માટે હવે ભાજપે સમરસ પંચાયતો તેમજ મહિલા સરપંચ ઉમેદવારો માટે ગ્રાન્ટ વધારી છે અને એ રીતે જાેવામાં આવે તો વધુમાં વધુ પંચાયતો ઉપર કબજાે જમાવવા માટે આ પ્રયાસ કરાયો છે.
સામે પક્ષે કોંગ્રેસ ગ્રામ્ય વિસ્તારોમાં મજબૂત છે અને તેના સમર્થિત ઉમેદવારો ચૂંટાય તે માટે પણ તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસ સમર્થિત ઉમેદવારોને હરાવવા માટે ભાજપે કમર કસી લીધી છે. સંભવત છે કે, 10 હજાર પંચાયતોમાં ભાજપનો ઘોડો વીનમાં રહ્યો તો વિધાનસભાની ચૂંટણીઓ નિયત સમય કરતાં વહેલા પણ કરવામાં આવી શકે છે તેવી અટકળો ચાલી રહી છે. છેલ્લા કેટલાય સમયથી કે જ્યારથી નવી સરકાર રચાઈ છે ત્યારથી ગ્રામ્ય વિસ્તારો ઉપર ભાજપે ફોકસ વધારી દીધું છે. અગાઉ કેન્દ્રીય મંત્રીઓની જન આશીર્વાદ યાત્રાથી લઈ પછી નવી સરકારના મંત્રીઓની જન આશીર્વાદ યાત્રા અને હવે સંવિધાન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.