બાલાસોર, શુક્રવાર
ઓડિશાના બાલાસોરમાં એક વિચિત્ર મામલો સામે આવ્યો છે. બાલાસોર જિલ્લાના નીલગિરીમાં લગ્નમાં વાગી રહેલા ડીજે અને આતશબાજીને કારણે 63 મરઘીઓના હાર્ટએટેકથી મોત નીપજ્યા છે. પોલ્ટ્રી ફાર્મના માલિક રંજીતકુમાર પરીદાએ આના સંદર્ભે એફઆઈઆર દાખલ કરાવી છે.
પરિદાએ ન્યૂઝ એજન્સી એએફપીને કહ્યુ છે કે રવિવારે મધરાતે લગભગ 11.30 કલાકે એક જાન તેમના પોલ્ટ્રી ફાર્મ પાસેથી પસાર થઈ રહી હતી. તે વખતે લગ્નમાં ડીજેનો ઘોંઘાટ અને આતશબાજી થઈ રહી હતી. તેમણે બેન્ડવાજાવાળાઓને અવાજ ઘટાડવા માટે અપીલ કરી હતી. પરંતુ વરરાજાના દોસ્તોએ તેમની સાથે ઝઘડો કર્યો. બીજા દિવસે સવારે જ્યારે તેમણે પશુ ડોક્ટરને તેમના પોલ્ટ્રી ફાર્મમાં મૃત્યુ પામનારી 63 મરઘીઓના મોતનું કારણ પુછયું, તો પશુ ડોક્ટરે આના માટે હાર્ટએટેકનું કારણ આપ્યું હતું. તેના પછી પરીદા લગ્નનું આયોજન કરનારા પરિવારના ઘરે વળતર માંગવા માટે પહોંચ્યા હતા. પરંતુ આનો ઈન્કાર કરાયા બાદ પરીદાએ આયોજકો વિરુદ્ધ નીલગિરી પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર કરાવી હતી.
આરોપી રામચંદ્ર પરીદાએ રંજીત કુમાર પરીદાના આરોપો પર હસતા-હસતા કહ્યુ કે સડકો પર જ્યારે વાહનોથી મરઘીઓને લઈ જવાય છે, તો હોર્ન અને અન્ય ઘોંઘાટ થાય છે. તેવામાં આ કેવી રીતે શક્ય છે કે ડીજેને કારણે મરઘીઓના મોત નીપજે. જો કે જ્યારે તેઓ મારી પાસે આવ્યા અને મોટા અવાજની ફરિયાદ કરી તો અમે સાઉન્ડ ઘટાડી દીધો હતો. ફરિયાદી રંજીતકુમાર પરીદાએ કહ્યુ છે કે મે મોટા અવાજે કારણે લગભગ 180 કિલોગ્રામ ચિકન ગુમાવી દીધી, કારણ કે પક્ષી કદાચ સદમાથી મોતને ભેંટયા. નીલગિરી પોલીસ સ્ટેશનના પ્રભારી દ્રૌપદી દાસે કહ્યું છે કે તેમણે પરીદા અને તેમના પાડોશીને ફરિયાદ પર સુલેહ કરવા માટે બોલાવ્યા છે.
22 વર્ષીય રંજીતકુમાર પરિદા એન્જિનિયરિંગના ગ્રેજ્યુએટ છે. અભ્યાસ પૂર્ણ કર્યા બાદ જ્યારે તેમને નોકરી મળી નહીં, તો તેમણે 2019માં નીલગિરીમાં એક સહકારી બેન્કમાંથી 2 લાખ રૂપિયાની લોન લઈને પોતાનું બ્રોયલર ફાર્મ શરૂ કર્યું. બાલાસોરના એસપી સુધાંશુ મિશ્રાએ ઈન્ડિયા ટુડેને કહ્યુ છે કે આના સંદર્ભે નીલગિરી પોલીસ સ્ટેશનને ફરિયાદ મળી છે. આરોપોની તપાસ થઈ રહી છે. જો કે પોલીસ સ્ટેશનમાં બંને પક્ષોએ પરસ્પર સમતિથિ મામલાનો ઉકેલી લીધો છે.