જહોનિસબર્ગ, શુક્રવાર
કોરોનાના નવા વેરિએન્ટને લઈને દક્ષિણ આફ્રિકાથી ડરાવનારા અહેવાલ સામે આવી રહ્યા છે. દેશના વાયરોલોજિસ્ટ ટ્યૂલિયો ડી ઓલિવેરાએ ગુરુવારે મીડિયાને કહ્યુ હતુ કે દક્ષિણ આફ્રિકામાં મલ્ટિપલ મ્યુટેશનવાળો કોરોના વેરિએન્ટ સામે આવ્યો છે.
વૈજ્ઞાનિકોએ આને B.1.1.529 નામ આપ્યું છે અને તેને વેરિઅન્ટ ઓફ કન્સર્ન ગણાવ્યો છે. તેની સાથે ડબ્લ્યૂએચઓની ઈમરજન્સી બેઠક બોલાવવાની પણ માગણી કરવામાં આવી હતી. ઓલિવેરોએ કહ્યુ છે કે દક્ષિણ આફ્રિકામાં કોરોનાના નવા દર્દીઓની વધતી સંખ્યાની પાછળ સૌથી મોટું કારણ મલ્ટિપલ મ્યુટેશનવાળો વેરિએન્ટ જ છે. દક્ષિણ એફ્રિકાથી બોત્સવાના અને હોંગકોંગ પહોંચેલા નાગરિકોમાં પણ આ નવા વેરિએન્ટના ચેપ જેવા જ લક્ષણો મળ્યા છે. મહત્વપૂર્ણ છે કે ગત વર્ષ કોરોનાનો બીટા વેરિએન્ટ પણ પહેલીવાર દક્ષિણ આફ્રિકામાં જ મળ્યો હતો. બાદમાં તે દુનિયાભરમાં ફેલાયો હતો.
ભારતમાં પણ દક્ષિણ આફ્રિકા, હોંગકોંગ અને બોત્સવાનાથી આવનારા પ્રવાસીઓની આકરી ચકાસણીના આદેશ જાહેર કરવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારે રાજ્યોને વિશેષ સાવધાની દાખવવાના નિર્દેશ આપ્યા છે. રાજ્યોને કહેવામાં આવ્યું છે કે તે દક્ષિણ આફ્રિકા, હોંગકોંગ અને બોત્સાવાનાથી આવનરા પ્રવાસીઓની સારી રીતે તપાસ કરે. કોઈપણ પ્રકારની બેદરકારી બિલકુલ દાખવે નહીં. દક્ષિણ આફ્રિકાના વૈજ્ઞાનિકોએ B.1.1.529 વેરિએન્ટના પ્રભાવને લઈને ડબ્લ્યૂએચઓના વર્કિંગ ગ્રુપની તાત્કાલિક બેઠકની માગણી સાથે કહ્યુ છે કે તેમની પાસે હાલ ડેટા મર્યાદીત છે. તેમના વૈજ્ઞાનિકો નવા વેરિએન્ટને સમજવા માટે સતત કામ કરી રહ્યા છે.
વૈજ્ઞાનિકો પ્રમાણે, દક્ષિણ આફ્રિકાનો સૌથી વધુ વસ્તી ધરાવતો ગૌટાંગ પ્રાંત છે અને અહીં 90 ટકા નવા કેસ B.1.1.529ના હોવાની સંભાવના છે. દક્ષિણ આફ્રિકામાં આ વર્ષે વધુ એક વેરિએન્ટ સી.1.2 સામે આવ્યો હતો. જો કે તે એટલો પ્રભાવી રહ્યો નથી. યુરોપમાં પણ બાળકોને જલ્દીથી કોરોનાની રસી લગાવવાનું શરૂ કરવામાં આવશે. યુરોપિયન યુનિયનના ડ્રગ રેગ્યુલેટરે ગુરુવારે 5થી 11 વર્ષના બાળકોને ફાઈઝરની રસી લગાવવાની મંજૂરી આપી છે. યુરોપમાં ચેપની એક નવી લહેર વચ્ચે મહાખંડના લાખો પ્રાથમિક સ્કૂલના બાળકોને ડોઝ આપવાનો માર્ગ સાફ થયો છે. આ પહેલીવાર છે કે જ્યારે યુરોપીય મેડિસિન એજન્સીએ નાના બાળકોમાં ઉપયોગ માટે એક કોવિડ-19 રસીને મંજૂરી આપી છે.
કેનેડાના લગભગ 75 ટકા લોકો સંપૂર્ણપણે વેક્સિનેટેડ થઈ ચુક્યા છે. તેમા 84 ટકા 12 વર્ષની ઉપરના છે. કેનેડા સિવાય ઈઝરાયલ અને અમેરિકામાં પણ બાળકો માટે ફાઈઝરની રસીને મંજૂરી અપાય છે. ચીન, યુએઈ, કમ્બોડિયા અને કોલંબિયામાં પણ 12 વર્ષથી ઓછી વયના બાળકોને વેક્સિન લગાવાય રહી છે. જો કે અહીં બાળકોને ચીનની રસી અપાય રહી છે. અમેરિકામાં બાળકો પર પણ કોરોનાનો મોટો માર પડયો છે. અમેરિકામાં મહામારીની શરૂઆતથી લઈને અત્યાર સુધીમાં 60 લાખથી વધારે બાળકો કોરોનાગ્રસ્ત થયા છે. હાલના સમયમાં પણ દર સપ્તાહે મોટી સંખ્યામાં બાળકો ચેપગ્રસ્ત થઈ રહ્યા છે. તેની સાથે અહીં 5થી 11 વર્ષના 70 ટકા બાળકોને હોસ્પિટલમાં ભરતી કરવા પડયા. તેમાથી ઘણાંની સ્થિતિ ઘણી ગંભીર થઈ ગઈ હતી.