ગાંધીનગર, ગુરૂવાર
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2022ના પ્રથમ રોડ શોના પ્રારંભે નવીદિલ્હીમાં અગ્રણી ઉદ્યોગ સંચાલકો સાથે વન ટુ વન બેઠક કરી દિવસની શરુઆત કરી હતી. મુખ્યમંત્રીએ આ અન્વયે મારુતિ સુઝુકી ઇંડિયા લિમિટેડના એમ.ડી અને સી.ઈ.ઓ. કેનીચી આયકાવા સાથે બેઠક કરી હતી. તેમના ગુજરાત પ્રોજેક્ટ્સ વિશે તેમણે મુખ્યમંત્રીને માહિતગાર કર્યા હતા.
ગાંધીનગરમાં સેન્ટર ઓફ એકસલન્સ અને રાજ્યમાં હાલ મારૂતિ દ્વારા 16 હજાર કરોડના રોકાણની પણ વિગતો તેમણે મુખ્યમંત્રીને આપી હતી. મુખ્યમંત્રીએ તેમને રાજ્ય સરકારના સંપૂર્ણ સહયોગની ખાતરી આપી હતી અને ખાસ કરીને સ્થાનિક રોજગારી માટે તેમના પ્રોજેક્ટ ઉપયોગી બને તેવો અનુરોધ કર્યો હતો.મુખ્યમંત્રીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતનું પણ આમંત્રણ આપ્યું હતું.