સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારીઓ અંતિમ તબક્કામાં પહોંચી ચૂકી છે. શુક્રવાર સાંજથી જ પ્રચાર પડઘમ શાંત બની ગયા છે અને મતદાન માટેનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મતદાન પ્રક્રિયાને શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ રીતે પૂર્ણ કરવા માટેની તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે.
શનિવારના રોજ વિવિધ 6 જેટલા રીસ્પેચ ડીસ્પેચ સેન્ટરથી ઈવીએમ અને મતદાન અંગેની જરૂરી સામગ્રી સાથે કર્મચારીઓ તેમના બુથ પર જવા રવાના થયા હતા. કુલ 246 બેઠક પર યોજાનાર આ ચૂંટણી જંગ માટે તંત્ર દ્વારા મતદાન મથકોથી લઈને સુરક્ષા વ્યવસ્થા સુધીની વ્યવસ્થા ઘડી કઢાઇ છે. ચૂંટણીના આંકડાકીય વિગતો પર એક નજર કરીએ તો ચૂંટણી પ્રક્રિયાને સફળ બનાવવા માટે તંત્ર દ્વારા જંગી સાધન-સામગ્રી અને માનવબળની ફાળવણી કરવામાં આવી છે. કુલ 857 બુથ તૈયાર કરવામાં આવ્યા છે, જેમાંથી 225 બુથને ‘સંવેદનશીલ’ જાહેર કરી ત્યાં વિશેષ તકેદારી રાખવામાં આવશે. ઈવીએમ કુલ 1915 ઈવીએમ મશીનોની ફાળવણી કરવામાં આવી છે. 21 ચૂંટણી અધિકારીઓ સહિત કુલ 4285 કર્મચારી ચૂંટણી ફરજમાં જોડાશે.જિલ્લામાં કુલ 16સ્ટ્રોંગ રૂમ અને 6 રિસીવિંગ તેમજ ડીસ્પેચ સેન્ટર કાર્યરત કરવામાં આવ્યા છે.
2000થી વધુ જવાનનો કાફલો તૈનાત ચૂંટણી જાહેર થયા બાદથી પોલીસ દ્વારા શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થાય તે માટે સુરક્ષા વ્યવસ્થા પણ સઘન બનાવવામાં આવી છે. એસપી (SP) ઉપરાંત ૪ ડીવાયએસપી (DySP), પીઆઈ (PI) અને પીએસઆઈ (PSI) સહિત કુલ 2000થી વધુ પોલીસ જવાનોનો કાફલો તૈનાત કરવામાં આવ્યો છે.

