ગાંધીનગર, ગુરૂવાર
રાજ્યમાં 10 હજાર કરતાં વધુ ગ્રામ પંચાયતોની ચૂંટણી અને 1 હજારથી વધુ ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણી આગામી 19 ડિસેમ્બરના રોજ યોજાવાની છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા સમરસ થતી ગ્રામ પંચાયતો માટેની અનુદાનની રકમમાં વધારો કરવામાં આવ્યો છે. 5,000 સુધીની વસતિ ધરાવતા અને તેનાથી વધુ વસતિવાળા ગામો માટે તેમજ પુરુષ અને મહિલાના કિસ્સામાં કેટલી રકમ મળશે તે અંગેનો પરિપત્ર જાહેર કરાયો છે. આમાં પણ પ્રથમ, બીજી, ત્રીજી, ચોથી કે પાંચમી વાર સમરસ થતી હોય તેવી ગ્રામ પંચાયતોને ક્રમશઃ વધુ અનુદાન મળવાનું છે. આથી, ચૂંટણી લડવા કરતા એ ગ્રામ પંચાયત સમરસ થશે તેને મસમોટો ફાયદો થવાનો છે.
રાજ્યમાં જે ગ્રામ પંચાયતની વસ્તી 5,000ની અંદર હોય અને પ્રથમવાર સમરસ થઇ રહી હોય તેને ત્રણ લાખ રૂપિયાનું અનુદાન અને ધો.8ની સગવડમાં અગ્રીમતા અપાશે, જો આવી ગ્રામ પંચાયતની વસતિ 5,000થી 25,000 સુધીની હોય તો અનુદાનની રકમ 4.50 લાખ રૂપિયા મળશે. બીજી વખત સમરસ થતી હોય તો, 5,000 સુધીની વસતીના ગામને 3.75 લાખ અને સીસી રોડ માટે રુબેલા લાખ રૂપિયાની સહાય, 5 હજારથી 25 હજાર સુધીની વસતીના ગામને આ રકમ 5.75 લાખ મળશે. ત્રીજી વખત સમરસ થતી 5,000 સુધીની વસતી ધરાવતી ગ્રામ પંચાયતોને 4.75 લાખનું અનુદાન અને વિકાસ કામ માટે ત્રણ લાખ વધારાના મળશે, જ્યારે પાંચથી પચ્ચીસ હજાર સુધીની વસતી ધરાવતા આવા ગામની 7 લાખનું અનુદાન અને વિકાસ કામ માટે વધારાના ત્રણ લાખ ફાળવાશે.
ચોથી વાર સમરસ થતી હોય અને પાંચ હજારથી ઓછી વસતી હોય તેવા ગામને 5.25 લાખ અને વિકાસ કામ માટે વધારાના 3 લાખ મળશે, જ્યારે પાંચથી પચ્ચીસ હજારની વસતીવાળા આવા ગામને 7.50 લાખ તેમજ વિકાસ કામ માટે ત્રણ લાખ વધારાના અપાશે. પાંચમી વાર સમરસ થતી હોય તેવી 5,000 સુધીની વસતી આવતી ગ્રામ પંચાયતને 5.50 લાખ અને ખાસ કામ માટે ત્રણ લાખ તેમજ પાંચથી પચ્ચીસ હજાર સુધીની વસતીવાળા આવા ગામને આઠ લાખ રૂપિયાનું અનુદાન અને વિકાસ કામ માટે વધારાના ત્રણ લાખ ફાળવાશે.
હવે જે ગ્રામ પંચાયત મહિલા સમરસ બનશે તેવા કિસ્સામાં અનુદાનની રકમ વધુ મળવાની છે. પાંચ હજાર સુધીની વસતી ધરાવતી ગ્રામ પંચાયત પ્રથમવાર મહિલા સમરસ બનતી હોય તો 4.50 લાખનું અનુદાન અને ધો.8ની સગવડમાં અગ્રીમતા જ્યારે પાંચથી પચ્ચીસ હજારની વસતી ધરાવતી આવી ગ્રામ પંચાયતને 7.50 લાખનું અનુદાન અને ધો.8ની સગવડમાં અગ્રીમતા મળશે. બીજીવાર આવી રીતે સમરસ બનતી હોય તો 5,000 સુધીની વસતિમાં 5.75 લાખ અને સીસી રોડ બનાવવા માટે વધારાના બે લાખ, પાંચથી પચ્ચીસ હજારની વસતીવાળા ગામને 9.50 લાખનું અનુદાન અને સીસી રોડ માટે વધારાના બે લાખ રૂપિયા અપાશે.
ત્રીજી વખતના કિસ્સામાં 5,000 સુધીની વસતીમાં રૂપિયા સાત લાખ અને વિકાસ કામો માટે ત્રણ લાખ જ્યારે પાંચથી પચ્ચીસ હજારની વસતિ માટે રૂ. 11.75 લાખ અને વિકાસ કામો માટે વધારાના ત્રણ લાખ, ચોથી વાર સમરસ થતી 5,000 સુધીની વસતીવાળી ગ્રામ પંચાયતને 7.50 લાખ અને વિકાસ કામ માટે ત્રણ લાખ જ્યારે પાંચથી પચ્ચીસ હજારની વસતીવાળી ગ્રામ પંચાયતને 12 લાખ અને વિકાસ કામ માટે વધારાના ત્રણ લાખ અપાશે. મહિલા સમરસ ના કિસ્સામાં જ પાંચમીવાર સમરસ થતી ગ્રામ પંચાયત પાંચ હજારની વસતી ધરાવતી હોય તો 8 લાખનું અનુદાન અને વિકાસ કામ માટે ત્રણ લાખ તેમજ પાંચથી પચ્ચીસ હજારની વસતી હોય તો 13 લાખ રૂપિયા અને વિકાસ કામ માટે વધારાના ત્રણ લાખ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આમ ચૂંટણી લડવા કરતાં એ ગામ સમરસ થશે તેને આર્થિક રીતે ખૂબ મોટો ફાયદો થવાનો છે. (તસવીર પ્રતિકાત્મક છે)