HomeGujaratમોરબીના દરિયાઈ પટ્ટા પર હરિયાળી ચાદર: એક જ વર્ષમાં 1500 હેક્ટરમાં ચેરનું...

મોરબીના દરિયાઈ પટ્ટા પર હરિયાળી ચાદર: એક જ વર્ષમાં 1500 હેક્ટરમાં ચેરનું વાવેતર પૂર્ણ

વૈશ્વિક ક્લાઈમેટ ચેન્જના પડકારો સામે પર્યાવરણની સુરક્ષા અને પ્રકૃતિનું જતન એ વર્તમાન સમયની પ્રમુખ જરૂરિયાત છે. ગુજરાત સરકાર હંમેશાથી રાજ્યના સુદીર્ઘ દરિયાકાંઠાને સુરક્ષિત કરવા અને જૈવ-વિવિધતાના સંવર્ધન માટે કટિબદ્ધ રહી છે. આ દીર્ઘદ્રષ્ટિપૂર્ણ અભિગમ હેઠળ, દરિયાઈ મોજાં, વિનાશક વાવાઝોડા અને સુનામી જેવી કુદરતી આપત્તિઓ સામે એક અડીખમ અને કુદરતી દીવાલ (ગ્રીન વોલ) તરીકે કામ કરતા મેન્ગૃવ (ચેર)ના જંગલોનું જતન કરવું અત્યંત અનિવાર્ય છે. મોરબી જિલ્લાના દરિયાઈ પટ્ટા પર ઇકોસિસ્ટમને મજબૂત કરવાના આશય સાથે કેન્દ્ર અને રાજ્ય સરકારના સથવારે ‘MISHTI’ અને ‘CAMPA’ જેવી મહત્વકાંક્ષી યોજનાઓ સાકાર થઈ રહી છે, જે પર્યાવરણ પ્રણાલીને સુધારવા માટે મહત્વની ભૂમિકા ભજવી રહી છે.

મોરબી વન વિભાગના નાયબ વન સંરક્ષક ડો. સુનિલકુમાર બેરવાલે(ભા.વ.સે.) જણાવ્યા અનુસાર વર્ષ 2025-26 દરમિયાન મોરબીમાં વન વિભાગ દ્વારા મેન્ગૃવ સંરક્ષણ ક્ષેત્રે અનન્ય પ્રગતિ હાંસલ કરતા એક વર્ષના ટૂંકા ગાળામાં કુલ 1500 હેક્ટર જેટલા વિશાળ વિસ્તારમાં ચેરનું આયોજનબદ્ધ વાવેતર પૂર્ણ કરવામાં આવ્યું છે. આ વનીકરણ પ્રક્રિયા પાછળ સરકાર દ્વારા કુલ રૂ. 5,29,03,882નો નાણાકીય ખર્ચ કરીને પ્રકૃતિ સંરક્ષણ માટે મહત્વની કામગીરી કરાઈ છે.

‘MISHTI’ અને ‘CAMPA’ યોજના વિશે માહિતી આપતા નવલખી ચેર રેન્જના રેન્જ ફોરેસ્ટ ઓફિસર તૃપ્તિ જોશીના જણાવ્યુ હતું કે, દરિયાકાંઠાના વિસ્તારોના ટકાઉ વિકાસ અને સ્થાનિકોની આવક વધારવાના ઉમદા હેતુ સાથે કાર્યરત ‘MISHTI’ (Mangrove Initiative for Shoreline Habitats & Tangible Income) યોજના હેઠળ મોરબીમાં 500 હેક્ટર વિસ્તારમાં સફળતાપૂર્વક ચેરનું વાવેતર કરવામાં આવ્યું છે. આ ગ્રીન પ્રોજેક્ટ કુલ રૂ. 1,52,00,000ની નાણાકીય જોગવાઈઓનો સદ્દઉપયોગ કરીને દરિયાઈ પટ્ટીને સુરક્ષિત અને સંરક્ષિત કરાઈ છે. પર્યાવરણીય સંતુલન માટે અત્યંત મહત્વપૂર્ણ એવી ‘CAMPA’ યોજના હેઠળ મોરબીમાં 1000 હેક્ટર વિસ્તારમાં હરિયાળી ચાદર સમાન ચેરનું વાવેતર કરાયું છે. આ વ્યાપક પર્યાવરણીય પ્રોજેક્ટ પાછળ કુલ રૂ. 3, 77,03,882નો નાણાકીય ખર્ચ કરીને દરિયાઈ ક્ષરણ અટકાવવાની મજબૂત કામગીરી થઈ છે.

વૈજ્ઞાનિક દ્રષ્ટિએ સાબિત થયું છે કે ચેરના મૂળિયાં જમીનનું ધોવાણ અટકાવે છે અને તેના ગીચ જંગલો દરિયાઈ તોફાનોની ગતિ ધીમી પાડીને કિનારાના માનવ વસાહતોનું રક્ષણ કરે છે. આ ઉપરાંત, આ જંગલો કાર્બન સિંક તરીકે કામ કરીને વાતાવરણને શુદ્ધ રાખે છે તથા દરિયાઈ જીવો જેવા કે માછલી અને કરચલા માટે ઉત્તમ પ્રજનન કેન્દ્ર પૂરું પાડે છે, જેનાથી સ્થાનિક માછીમારોની આજીવિકા પણ સમૃદ્ધ બને છે. વન વિભાગના ભગીરથ પ્રયાસોથી મોરબીમાં થયેલું આ 1500 હેક્ટરનું મેન્ગૃવ વાવેતર આગામી પેઢીઓ માટે પ્રકૃતિ સુરક્ષાનું અભેદ્ય કવચ સાબિત થશે. સરકારનો આ હકારાત્મક પ્રકલ્પ સાચા અર્થમાં ‘મેન્ગૃવ સંરક્ષણ થકી પ્રકૃતિ સંરક્ષણ’ ના સંકલ્પને ચરિતાર્થ કરી રહ્યો છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,420SubscribersSubscribe

TRENDING NOW