દેશભરમાં વેક્સીનેશનની કામગીરી જોરશોરથી ચાલી રહી છે. પણ હજું પણ કેટલાક એવા ગ્રામ્ય વિસ્તારો છે જેમાં વેક્સીન લેવામાં કોઈ ગ્રામજનો રસ દાખવતા નથી. આ વિષય પર હવે ધારાસભ્ય કુંવરજી બાવળીયાનું નિવેદન સામે આવ્યું છે. એમના મત વિસ્તાર જસદણ વીછિંયામાં સૌથી ઓછું વેક્સીનેશન થયું છે. આ મામલે બાવળીયાએ જણાવ્યું છે કે, લોકોમાં અંધશ્રદ્ધા છે. કોરોના વાયરસને લઈને જે રીતે જાગૃતિ આવવી જોઈએ એવું થયું નથી.
ઓછું શિક્ષણ અને જાગૃતિના અભાવે આ ચિત્ર સામે આવ્યું છે. જેની અસર વેક્સીનેશન પર થઈ છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ પાટીલે ચૂંટણીકાર્ડના આધારે કોણ વેક્સીનમાં બાકી છે એને શોધવા માટે પગલાં લીધા છે. આ ઉપરાંત વેક્સીન આપવા માટે પણ સૂચના આપવામાં આવી છે. કુંવરજી બાવળિયા વર્ષ 1995થી 2009 સુધી જસદણ-વિંછીયાના ધારાસભ્ય રહ્યા છે. વર્ષ 2009થી 2014 સુધી સંસદસભ્ય અને ત્યાર બાદ 2017થી અત્યાર સુધી ધારાસભ્ય પદે રહ્યા છે. 18 વર્ષ સુધી ધારાસભ્ય પદે રહેલા હોવા છતાં પણ સાક્ષરતા મામલે એમનો મતવિસ્તાર હજું પણ પછાત છે. વીછિંયામાં આવેલી અજમેરા સ્કૂલમાં શિક્ષણ તરીકે પણ બાવળીયા ફરજ બજાવી ચૂક્યા છે.
આ મામલે બાવળીયાએ કહ્યું કે, અનેક એવા કેમ્પમાં હું જાતે ગયો હતો. પાટીલ સાહેબા સાથે એક બેઠક પણ યોજાઈ હતી. એમને જ સૂચના આપી હતી કે, બુથ વાઈઝ કાર્યકર્તાઓની ટીમ તૈયાર કરો. જે બાકી છે એના સર્વે કરો. જસદણ અને વીછિંયા તાલુકાના બુથ વાઈઝ ડેટા ભેગા કરવામાં આવ્યા છે. અમારી ટીમ આ દિશામાં કામ કરી રહી છે. યોગ્ય રીતે મહેનત કરીને પરિણામલક્ષી કામ કરીશુ. હાલમાં તો શિક્ષણ આપીએ તો જ આ પ્રશ્ન ઉકેલી શકાય એમ છે. ચૂંટણીકાર્ડના આધારે બાકી લોકોને શોધી વેક્સિનેશન લેવા સમજાવી તે દિશામાં પ્રયાસ કરી રહ્યા છીએ. આ કામગીરીમાં કોઈ કચાશ ન રહી જાય એનું પૂરતું ધ્યાન રખાશે. આરોગ્ય વિભાગની ટીમ લોકોને વેક્સીન લેવા માટે સમજાવી રહી છે.
આ રીપોર્ટ સામે આવતા ક્લેકટર પણ ગામની મુલાકાત લેવા માટે દોડી ગયા હતા. વીંછીયા, જસદણ અને ધોરાજીમાં હાલ લોકોમાં ગેરસમજને કારણે વેક્સિનેશન ઓછું છે.