રાજકોટ વિભાગના પોલીસ મહાનિરીક્ષક અને મોરબી જિલ્લા પોલીસ વડા દ્વારા પ્રોહિબિશન અને જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓને જડમૂળથી નેસ્તનાબૂદ કરવા આપેલી કડક સૂચના અન્વયે મોરબી તાલુકા પોલીસે એક મોટી સફળતા મેળવી છે. બાતમીના આધારે પોલીસે ફિલ્મી ઢબે પીછો કરીને ઊંચી માંડલ ગામ નજીકથી એક બિનનંબરી અર્ટિગા કારમાંથી લાખો રૂપિયાનો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ઝડપી પાડ્યો છે. જોકે, પોલીસને પાછળ આવતી જોઈ બુટલેગર કાર સ્થળ પર જ મૂકીને નાસી જવામાં સફળ રહ્યો હતો.
નંબર પ્લેટ વગરની કારમાં સપ્લાય થતો હતો જથ્થો
મળતી વિગતો મુજબ, મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જે.ડી. સરવૈયાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલીંગમાં હતો. તે દરમિયાન સ્ટાફને સંયુક્ત બાતમી મળી હતી કે, એક સફેદ કલરની મારૂતિ સુઝુકી કંપનીની અર્ટિગા કાર, જેના પર આગળ-પાછળ કોઈ નંબર પ્લેટ નથી, તે ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરીને હળવદ તરફથી મોરબી તરફ આવી રહી છે. બાતમીના આધારે પોલીસે ઊંચી માંડલ ગામ પાસે વોચ ગોઠવી હતી.
પોલીસને જોઈ બુટલેગરે કાર ભગાવી
વોચ દરમિયાન બાતમીવાળી અર્ટિગા કાર આવતા પોલીસે તેને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ કાર ચાલકે પોલીસને જોઈ પોતાની કાર પૂરઝડપે ભગાવી મૂકી હતી. પોલીસે તુરંત તેનો પીછો કર્યો હતો. આખરે બુટલેગરે પકડાઈ જવાના ડરે ઊંચી માંડલ ગામ પાસે જ કાર રસ્તા પર મૂકી દીધી હતી અને અંધારાનો લાભ લઈ નાસી છૂટ્યો હતો. પોલીસે કારની તલાશી લેતા તેમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂ અને બિયરના ટીન મળી આવ્યા હતા.
કુલ રૂ. ૭.૬૫ લાખનો મુદ્દામાલ જપ્ત
પોલીસે કારમાંથી નીચે મુજબનો મુદ્દામાલ કબજે કર્યો છે:
-
વિદેશી દારૂ: ‘રોયલ ચેલેન્જ ફાઇન રિઝર્વ વ્હીસ્કી’ (ફોર સેલ પંજાબ ઓન્લી) ની ૨૮૮ બોટલ (કિંમત રૂ. ૨,૧૫,૪૦૯/-).
-
બિયર: ‘કિંગફિશર સુપર સ્ટ્રોંગ પ્રીમિયમ’ (ફોર સેલ ઇન રાજસ્થાન ઓન્લી) ના ૧૪૪ ટીન (કિંમત રૂ. ૧૯,૮૪૫/-).
-
અર્ટિગા કાર: ચેસીસ નં.
MA3FLEB1S00519661(કિંમત રૂ. ૫,૦૦,૦૦૦/-). -
મોબાઈલ ફોન: ૨ નંગ (કિંમત રૂ. ૩૦,૦૦૦/-).
-
કુલ રકમ: રૂ. ૭,૬૫,૨૭૩/-
કાર ચાલક/માલિક વિરુદ્ધ ગુનો દાખલ
મોરબી તાલુકા પોલીસે ફરાર થઈ ગયેલા અર્ટિગા કારના ચાલક/માલિક વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી તેને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે. આ સફળ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર જે.ડી. સરવૈયા, પો.સ.ઇ. સી.એસ. સૌદરવા તથા સર્વેલન્સ સ્ટાફના જવાનો જોડાયા હતા.

