રાજ્યમાં વેક્સીનેશન ઝુંબેશ જોરશોરથી ચાલી રહી છે. પણ ઓનલાઈન મળતા વેક્સીનેશનના સર્ટિ.ને લઈને ફરી એક વખત મોટી લોલમલોલ સામે આવી છે. છેલ્લા 2 દિવસથી મહાનગર રાજકોટના કેટલાક નાગરિકોને અચાનક જ એવા મેસેજ આવી રહ્યા છે તેમણે રસીના બંને ડોઝ લઈ લીધા છે. તેમને રસી લીધાનું સર્ટીફિકેટ પણ આપી દેવામાં આવ્યું છે. પણ હકીકત એનાથી અલગ હતી. આ પહેલા પણ આવું જ કંઈક થયું હતું જ્યારે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્રથમ ડોઝનું 100 ટકા વેકસીનેશન પૂર્ણ થયું હોવાનો દાવો કર્યો હતો.
પરંતુ પાછળથી ખબર પડી કે શહેરમાં ઘણા એવા લોકો છે કે તેમણે પહેલો ડોઝ લીધો પણ નથી. આવું જ કંઈ બીજા ડોઝમાં થઈ રહ્યું હોય તેવું લાગે છે. આરોગ્ય વિભાગ ધીરે ધીરે આ દિશામાં કામ કરી રહ્યો છે. જેમણે રસી લીધી નથી તેમને પણ બંને ડોઝ લીધાનું સર્ટીફિકેટ આપી દેવામાં આવે છે. વેક્સીનના બે ડોઝ લીધા ન હોવા છતાં શનિવારે તથા સોમવારે કેટલાક સ્થાનિકોને આવા મેસેજ મળ્યા હતા. જેને એપ્લિકેશન પરથી ડાઉનલોડ કરી શકાતા હતા. જો કે આ કોઈ ટેકનિકલ એરર કે ખોટો મેસેજ પણ નથી. જ્યારે આ રસી લીધાનું સર્ટીફિકેટ ડાઉનલોડ કરવામાં આવ્યું તો ખરેખર તેમાં લખેલું હતું કે રસીના બંને ડોઝ લઈ લેવામાં આવ્યા છે. જેમા વેક્સીનેશન સેન્ટરનો પણ ઉલ્લેખ હતો.
તંત્રને જ્યારે આ અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે, યોગ્ય દિશામાં તપાસ કરાવવામાં આવશે. બીજો ડોઝ લેવા માટેની અપોઈન્ટમેન્ટની વિગતો નથી. કારણ કે રસીના બીજા ડોઝ લેવા માટે કોઈ નોંધણી થઈ જ નથી. રસીનો બીજો ડોઝ લેવામાં પણ નથી આવ્યો. ત્યારે રસી લીધાનું સર્ટીફિકેટ કયા આધારે આપવામાં આવ્યું છે કે વિચારવાનું રહ્યું. જોકે, સર્ટિ. છે એ નક્કી છે. જોવાનું એ છે કે, મહાનગર પાલિકા તથા ટેકનિકલ ટીમ આ કેસમાં કેવા પગલાં લે છે.