રાજ્યમાં હાલ ભાજપ પર ઘાત ચાલી રહી હોય તેમ અલગ અલગ સ્થળ પરથી ભાજપ માટે માઠા સમાચાર આવી રહ્યા છે તાજેતરમાં રાજકોટ શહેરમાં ભાજપના આગેવાનોમાં જૂથબંધી અને નારાજગીના સમાચાર આવી રહ્યા છે.તો બીજી તરફ કુવરજી બાવળિયા પણ નારાજ ચાલી રહ્યા છે. બધી ચર્ચા વચ્ચે હવે જુનાગઢમાંથી પણ ભાજપ માટે ચિંતાજનક સમચાર સામે આવ્યા છે.

જુનાગઢ જીલ્લાની માંગરોળ પાલિકાના વોર્ડ નંબર 9ની પેટાચૂંટણીમાં ટીકીટ ફાળવણીને લઇ વિવાદ સામે આવતા ભાજપના અનુસૂચિત મોરચાના 450 જેટલા કાર્યકરોએ એકસાથે રાજીનામાં ધરી દેતા રાજકારણ ગરમાયું છે.
માંગરોળ પાલિકાના વોર્ડ નંબર 9ની એક બેઠક પરથી ચૂંટાયેલા મહિલા સભ્યનું જુલાઈ મહિનામાં અકસ્માત થવાના કારણે આ બેઠક ખાલી પડી હતી. જેના પર પેટાચૂંટણી યોજાવાની જાહેરાત થઈ હતી.આ બેઠક બિન હરિફ જાહેર કરવાની વાતો થઈ રહી હતી, પરંતુ છેલ્લા દિવસે ભાજપે વાલ્મિકી સમાજની મહિલાને ટિકિટ આપતા અનુસૂચિત જાતિના સમાજમાં રોષ ભભૂક્યો હતો. જેના કારણે અનુસૂચિત મોરચાના 450 જેટલા કાર્યકરોએ પોતાના રાજીનામાં આપી દીધા હતા.

આ બાબતે શહેર ભાજપ પ્રમુખે જણાવ્યું કે, પાર્ટીના હાઈકમાન્ડનો આદેશ હોય એટલે ઉમેદવારી કરવી જ પડે. હજુ સુધી મારા સુધી કોઈના રાજીનામાં પહોંચ્યા નથી. હવે આગામી સમયમાં આવી રહેલી વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપનું મોવડી મંડળ આ હોદ્દેદારોના રાજીનામાં સ્વીકારે છે કે પછી મામલો થાળે પાડવામાં સફળ થાય છે? તે જોવું રહ્યું.