રાજકોટ મહાનગર પાલિકા તરફથી શહેરને સ્માર્ટ સિટી બનાવવા માટે તથા રાહદારીઓને મુશ્કેલીમાંથી મુક્ત કરવા માટે પગલાં લેવાના શરૂ કરી દીધા છે. રાજકોટ સિટીના કુલ 48 માર્ગ પર વન વીક વન રોડ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જેમાં દર અઠવાડિયે શહેરના ત્રણ ઝોનમાં જુદા જુદા દિવસે મુખ્ય રોડ પર રોડને વ્યવસ્થિત રાખવા, ચોખ્ખો રાખવા કામગીરી શરૂ થશે. તા. 18 નવેમ્બરના રોજ સેન્ટ્રલ ઝોન વિસ્તારના ટાગોર રોડ ખાતે જુદા જુદા પ્રકારની કામગીરી કરાઈ હતી.
ખાસ તો દબાણ હટાવ શાખાએ પાર્કિંગમાં નડતર રૂપ 550 ચોમી. જેટલી જગ્યાઓ પરથી દબાણ દૂર કર્યું છે. જ્યારે ગંદકી ફેલાવતા આઠ આસામીઓને રૂ.3600નો દંડ કરવામાં આવ્યો હતો. બીજી તરફ ડૉ. હોમી દસ્તુર માર્ગ પર બે મંદિરમાં ગેરકાયદેસર રીતે બનાવેલા નવા પ્લીન્થના બાંધકામનું દબાણ અટકાવી દેવાયું હતું. જુદા જુદા શોપિંગ કોમ્પ્લેક્સમાં પણ કામગીરી કરવામાં આવી હતી. પ્રાઈડ પ્લાઝામાં 75 ચોરસ મીટર, સિલ્વર ચેમ્બરમાં 150 ચોરસ મીટર, ગોલ્ડન પ્લાઝામાં 150 ચોરસ મીટર, રાજરત્ન કોમ્પ્લેક્ષમાં 180 ચોરસ મીટર જેટલી પાર્કિંગની જગ્યા પરથી રેલિંગ, બેરીકેડ દૂર કરી, પાર્કિંગની જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી.
જ્યારે ધનલક્ષ્મી કોમ્પલેક્ષ દ્વારા જાતે જ રેલિંગ દૂર કરી આપવામાં આવી હતી. આ ઉપરાંત કોર્પોરેશનની જગ્યા પરથી દિવાલ સહિતના બાંધકામ દૂર કરી દેવામાં આવ્યા છે. 500 ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરી દેવામાં આવતા રાહદારીઓને હાશકારો થયો છે. લક્ષ્મીવાડી મેઈન રોડ પર પુજારા પ્લોટના વોંકળા પાસે આવેલા સુલભ સૌચાલયની પાછળની જગ્યામાં થયેલા વંડાનું અંદાજીત 32 ચોરસ મીટરનું બાંધકામ દૂર કરી દેવાતા મોટી કામગીરી થઈ છે.