ભારતીય જનતા પાર્ટીની પ્રદેશ કારોબારીમાં આગામી કાર્યક્રમો અંગે વિગત આપવામાં આવી હતી. આ અંગે વિગત આપતા પ્રદેશમંત્રી મહેશ કસવાલાએ જણાવ્યું કે, જનસંઘ સમયથી ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકર્તાઓએ પાર્ટી સિંચન કરી વટવૃક્ષ બનાવવા જે યોગદાન આપ્યું એ ભૂલી શકાય એમ નથી.એ વિભૂતીઓનું માર્ગદર્શન અને એમના જીવનની પ્રેરણા નવી પેઢીને મળે એ માટે namo app અને narendra modi.in વેબસાઇટ પર આવા સંઘર્ષશીલ કાર્યકર્તાઓના ફોટા, તેમના જીવન ચરિત્ર અને ટૂંકી વિગત, કવન વિશેની માહિતી, ટૂંકી ફિલ્મ કે તેમનો વિડીયો અપલોડ કરવાનું અભિયાન જિલ્લા સાથે હાથ ધરવામાં આવશે.
જ્યારે સી.આર. પાટીલે જણાવ્યું કે આપણી પેજ કમીટીના કાર્યોથી પ્રોત્સાહીત થઇ અન્ય રાજયોમાં પણ ભાજપ દ્વારા પેજ કમીટીનું કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. સાથે ગુજરાતભરમાં 30મી નવેમ્બર સુધીમાં પેજ કમીટીનું કામ પુરુ થાય તે જોવા હાકલ કરી હતી.
દરેક કાર્યકરે પોતે ચૂંટણી લડવાની છે તેમ માનીને તૈયારીઓ શરૂ કરે. ભાજપના કાર્યકરો પેજ સમીતીના સદસ્યો બનાવવા લોકોના ઘરે ઘરે જાય તો તેમને આવકાર મળે છે પરંતુ કોંગ્રેસના કાર્યકરો જ્યારે પ્રજા વચ્ચે જાય છે તો તેમને જાકોરો મળે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રજાલક્ષી નીતીઓને કારણે જ લોકો મત આપે છે અને વધુમાં વધુ લોકો પેજ સમીતીના સભ્યો બનવા ઇચ્છે છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તેમના નિખાલસ અંદાજમાં જણાવ્યું કે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના એક આહવાનથી જ્ઞાતિ જાતિ ધર્મ ભૂલીને સમગ્ર દેશ આગળ વધી રહ્યો છે, સમગ્ર દેશને આગળ વધારવા નમ્ર પ્રયાસ કરી રહ્યો છે.
આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ કાર્યકર્તાઓને સંબોધન કર્યું હતું. મુખ્યમંત્રીએ વડાપ્રધાન મોદીની ગ્લાસો સમિટને યાદ કરી હતી. ગ્લાસો સમિટમાં વડાપ્રધાન મોદીની કાર્બન નેટની વાતનો પણ મુખ્યમંત્રીએ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે, વર્ષ 2070 સુધીમાં દેશમાંથી કાર્બન નેટ 0 કરવાનો ટાર્ગેટ છે. વર્ષ 2070 સુધી ભાજપનું શાસન રહેશે. 2070 સુધી કેન્દ્રમાં સત્તા માટે ગુજરાતમાં ભાજપની સત્તા જરૂરી છે. ગુજરાત ભાજપ હંમેશા નં.1 પર રહ્યું છે. ગુજરાતમાં ભાજપને હરાવવા પર સૌની નજર છે. આ માટે જીત માટેનો રોડમેપ તૈયાર કરવો જરૂરી છે. એકબાજુ ગુજરાતમાં આગામી વર્ષે ચૂંટણી યોજાવાની છે, તેની માટે અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દેવા માટે સીએમ ભૂપેન્દ્ર પટેલે આડકતરો ઈશારો કરી દીધો છે. અને ફક્ત આ ચૂંટણી જ નહીં, પણ વર્ષ 2070 સુધી ગુજરાતમાં ભાજપનું શાસન યથાવત રાખવા માટે સીએમ ભૂપેન્દ્ર પટેલે રોડમેપ સાથેનું પ્લાનિંગ તૈયાર કરવાનું આહવાન પણ કર્યું હતું.