ભારતીય ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ સૌરવ ગાંગુલીને ICCમાં એક મોટી અને મહત્ત્વની જવાબદારી મળી છે. આ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટનને ICC ક્રિકેટ સમિતીના ચેરમેન બનાવાયા છે. જે હવે અનિલ કુંબલેનું સ્થાન લેશે. જે છેલ્લા નવ વર્ષથી આ પદ પર રહ્યા છે. જ્યાં હવે દાદા બીરાજમાન થશે. અનિલ કુંબલેએ નવ વર્ષ પૂરા કર્યા બાદ સૌરવ ગાંગુલીને ICC ક્રિકેટ સમિતીના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
ગાંગુલીને આ સમિતીમાં સુપરવાઈઝરના પદ પરથી પ્રમોટ કરવામાં આવ્યા છે. ક્રિકેટ સમિતી ગેમની પરિસ્થિતિ અને ગેમના નિયમો પર દેખરેખ રાખે છે. જ્યારે પણ ભારતીય ક્રિકેટ ટીમના સફળ કેપ્ટનની વાત કરવામાં આવે છે ત્યારે ગાંગુલીનું નામ લેવામાં આવે છે. ગાંગુલીએ વર્ષ 1996માં ઈંગ્લેન્ડ સામેની પહેલી ટેસ્ટમાં જ સદી ફટકારી પોતાની ટેસ્ટ કેરિયરમાં સિદ્ધિ હાંસલ કરી હતી. તેમણે પોતાની કેરિયરમાં કુલ 49 ટેસ્ટ અને 147 વન ડે મેચમાં કેપ્ટનશીપ કરી છે. ગાંગુલીએ ટીમને એ ઊંચાઈ આપી છે જે અગાઉ ક્યારેય ન હતી. ભારતીય ટીમને વિશ્વફલક પર નામ મળ્યું છે. સૌરવ ગાંગલીએ 113 ટેસ્ટ મેચમાં 7212 રન કર્યા છે. જેમાં 16 સદી અને 35 હાફ સેન્ચુરીનો સમાવેશ થાય છે. 311 વન મેચમાં તેણે 11363 રન બનાવ્યા છે. જેમાં 22 સદી અને 72 હાફ સેન્ચુરીનો સમાવેશ થાય છે.