મોરબી શહેરમાં નકલી પ્રેસ રિપોર્ટર બનીને ફરતા અને ગાડી પર ‘PRESS’ લખાવી લોકો સાથે ઠગાઈ કરવાના ઈરાદે ફરતા એક શખ્સને મોરબી સીટી એ-ડિવિઝન પોલીસે ઝડપી લીધો છે. પોલીસની પ્રાથમિક તપાસમાં આ નકલી આઈ-કાર્ડ મોરબીના જ એક પત્રકારે ૧૦ હજાર રૂપિયા લઈને બનાવી આપ્યું હોવાનું ખુલતા પોલીસે બંને વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
શું છે સમગ્ર ઘટના?
મળતી માહિતી મુજબ, ગઈકાલે તારીખ ૨૮/૦૫/૨૦૨૬ ના રોજ સવારના આશરે ૧૧:૩૦ વાગ્યે મોરબી રેલ્વે સ્ટેશન રોડ પર આવેલા બજરંગ અખાડા પાસે મોરબી સીટી એ-ડિવિઝન પોલીસ સ્ટેશનના અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ રમેશભાઈ ઈશ્વરભાઈ રાઠોડ અને તેમની ટીમ ફરજ પર હતી.
આ દરમિયાન હીરો હોન્ડા સ્પ્લેન્ડર મોટરસાયકલ (રજી. નં. GJ-10-DQ-5802) ના ચાલકનું ઉપરાણું લઈને આરોપી અસલમ હુશેનભાઈ શેખ (ઉં.વ. ૩૩, રહે. ક્રિષ્ના પાર્ક-૨, ઉમિયા પાન, વાવડી રોડ, મોરબી) ત્યાં આવ્યો હતો. પોતે પ્રેસ રિપોર્ટર ન હોવા છતાં, તેણે પોલીસ સમક્ષ પોતાની ખોટી ઓળખ આપી હતી અને નકલી આઈ-કાર્ડ બતાવી તેનો સાચા તરીકે ઉપયોગ કરવાનો પ્રયાસ કર્યો હતો.
કાર પર ‘PRESS’ નું બોર્ડ લગાવી ફરતો હતો
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી અસલમ શેખ લોકો સાથે ઠગાઈ કરવાના ઈરાદે પોતાની બ્રેઝા કાર (રજી. નં. GJ-03-NK-6393) માં પણ ગેરકાયદેસર રીતે “PRESS” નું બોર્ડ લગાવીને ફરતો હતો.
રૂ. ૧૦,૦૦૦ માં વેચાતું આપ્યું હતું નકલી આઈ-કાર્ડ
પોલીસની કડક પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. આરોપી અસલમ શેખે કબૂલાત કરી હતી કે મોરબી-૨ માં વૃંદાવન સોસાયટી (પરિશ્રમ-૧, બ્લોક નં-૪૦૧) ખાતે રહેતા પત્રકાર રાધેશ કિશનલાલ બુધ્ધભટ્ટી (જાતે-કંસારા સોની, ઉ.વ. ૪૦) એ પોતાના આર્થિક ફાયદા માટે અસલમ પાસેથી રૂપિયા ૧૦,૦૦૦/- લીધા હતા. ઓલ ઈન્ડિયાનું કાર્ડ ન હોવા છતાં, રાધેશ બુધ્ધભટ્ટીએ અસલમને પ્રેસ રિપોર્ટર તરીકેનું આ નકલી આઈ-કાર્ડ બનાવી આપ્યું હતું.
પોલીસ કાર્યવાહી: લોકો સાથે ઠગાઈ કરવાના ઈરાદે નકલી આઈ-કાર્ડ રાખવા, તેનો ખરા તરીકે ઉપયોગ કરવા અને આ ગુનામાં એકબીજાને મદદગારી કરવા બદલ મોરબી સીટી એ-ડિવિઝન પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

