ટીમ ઈન્ડિયાના હેડકોચ પદ પરથી રવિ શાસ્ત્રી રાજીનામું આપી ચૂક્યા છે. T20 વર્લ્ડકપ 2021 પહેલા એ સ્પષ્ટ થયું હતું કે, વિરાટ કોહલી પણ આ ફોર્મેટની કેપ્ટનશીપ છોડી દેશે. જ્યારે બીજી તરફ રવિ શાસ્ત્રીની પણ ભારતીય ક્રિકેટ ટીમ સાથે એ અંતિમ ટુર્નામેન્ટ હતી. કોચ પદ છોડ્યા બાદ હવે રવિ શાસ્ત્રીને એક નવી જવાબદારી સોંપવામાં આવી છે. ક્રિકેટમાંથી સંન્યાસ લઈ ચૂકેલા ખેલાડીઓ માટે આવતા વર્ષે જાન્યુઆરી મહિનામાં શરૂ થનારી લેજન્ડ ક્રિકેટ લીગમાં તેઓ મુખ્ય કમિશનર તરીકે રહેશે.
આ માટે તેમને એક ખાસ જવાબદારી સોંપવામાં આવી છે. ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ફિઝિયોથેરાપીસ્ટ એન્ડ્રયુ લીપસ પણ આ સાથે જોડાઈ ચૂક્યા છે. તેઓ લીગ સાથે જોડાયેલા ખેલાડીઓની ફીટનેસનું ધ્યાન રાખશે. આ મામલે રવિ શાસ્ત્રીએ કહ્યું કે, ક્રિકેટ સાથે જોડાયેલા રહેવું મને ગમે છે. સારૂ લાગે છે. ખાસ કરીને એ દિગ્ગજ ખેલાડીઓ સાથે જેઓ ચેમ્પિયન રહ્યા છે. આ એક ગંભીર ક્રિકેટની સાથે મજેદાર પણ રહેશે. આ દિગ્ગજોએ ફરીથી કંઈ સાબિત કરવાનું નથી. પણ હવે એમની પ્રતિષ્ઠા દાવ પર લાગી છે. એ જોવું રસપ્રદ રહેશે કે, તેઓ આ ટુર્નામેન્ટને કેટલો ન્યાય આપી શકે છે. જોકે, શાસ્ત્રીને કઈ જવાબદારી અને કઈ ભૂમિકા આપવામાં આવી છે એ હજુ સુધી સ્પષ્ટ નથી.
શાસ્ત્રીએ ઉમેર્યું કે,હું આ લીગનો એક ભાગ બનીને ખૂબ જ રોમાંચિત છું. આ એક અનોખી પહેલ છે. આનું ભવિષ્ય મને અત્યારે ખૂબ જ ઉજ્જવળ દેખાઈ રહ્યું છે. આ લીગનું પહેલું સત્ર આવતા વર્ષે જાન્યુઆરી મહિનામાં ખાડીના કોઈ દેશમાં યોજાશે. આ લીગમાં ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડના પૂર્વ ક્રિકેટર્સ જોડાશે. આ લીગમાં ભારત, એશિયા તથા અન્ય દેશની ટીમ પ્રતિનિધિત્વ કરશે. પણ હજુ સુધી આ ટુર્નામેન્ટ માટે ખાસ કોઈ ફોર્મેટ નક્કી કરવામાં આવ્યું નથી.