ભારતીય ક્રિકેટ ટીમ ફરીએક નવી શરૂઆત માટે ગ્રાઉન્ડ પર પગલાં ભરવા માટે જઈ રહી છે. T20 વર્લ્ડકપમાં નિષ્ફળતા મળ્યા બાદ રાહુલ દ્રવિડના ગાઈડન્સમાં ટીમ તૈયાર થઈ રહી છે. વર્લ્ડકપની નિષ્ફળતાને ભૂલીને ટીમ ઈન્ડિયા હવે ભવિષ્યમાં યોજાનારી ટુર્નામેન્ટ પર ફોકસ કરી રહી છે. આ માટેની તૈયારીઓ પણ જોરશોરથી શરૂ થઈ ગઈ છે. ન્યૂઝીલેન્ડ સામે હવે રાજસ્થાનના પાટનગર જયપુરમાં મેચ રમાશે. બધુવારે T20 સીરિઝની પહેલી મેચ રમાશે.
ભારતીય ક્રિકેટ ટીમના વાઈસ કેપ્ટન કેએલ રાહુલ ન્યૂઝીલેન્ડ સામેની સીરિઝમાં રોહિત શર્મા અને રાહુલ દ્રવિડના ગાઈડન્સમાં રમવા માટે ઉત્સાહી છે. આ અંગે રાહુલે કહ્યું કે, દ્રવિડ સારા ટીમ કલ્ચર માટે જાણીતા છે. જ્યારે રોહિત પાસે સારી એવી રણનીતિ છે. જેની વ્યૂહરચનાથી મેચ જીતી શકાય છે. એવું પણ મનાય રહ્યું છે કે, દ્રવિડના આવ્યા બાદ ભારતીય ક્રિકેટના એક નવા યુગની શરૂઆત થઈ રહી છે. રવિ શાસ્ત્રીને કોચ તરીકેનો કાર્યકાળ ખતમ થઈ ગયો છે. જ્યારે વિરાટ કોહલીએ T20 ટીમની કેપ્ટનશીપ છોડવાનો નિર્ણય લીધો છે. હવે પછીનો T20 વિશ્વકપ આવતા વર્ષે યોજાશે. રાહુલે એ વાત પણ ઉમેરી કે ટીમ મેનેજમેન્ટ એવું નક્કી કરશે કે, ક્યા ફોર્મેટમાં શું સૌથી બેસ્ટ છે. આ ઉપરાંત વર્ષ 2023માં યોજાનારા વિશ્વકપ માટેની તૈયારીઓ પણ અત્યારથી શરૂ કરી દેવામાં આવી છે.
આ માટે કેવી રીતે જીત મેળવી શકાય એનો રસ્તો તૈયાર કરવાનો આ સમય છે. હું ઘણો લકી છું કે, હું રાહુલ દ્રવિડને ઓળખું છું. મેં મારા કેરિયરની શરૂઆતમાં એમની સલાહ લીધી હતી. જેના પર અમલ કરીને આ ગેમને વધુ સારી રીતે સમજી છે. બેટિંગ સ્ટાઈલને સુધારવાનો ઘણો પ્રયાસ કર્યો છે. કર્ણાટકમાં તેમણે અમને બધાને ખૂબ જ મદદ કરી છે. એક કોચ તરીકે તે તમામ યુવા ખેલાડીઓ સાથે છે. મુખ્ય કોચ તરીકે આવતા એમની પાસેથી ઘણું શીખવાનો મોકો મળ્યો છે.