કોરોના ગાઈડલાઈનનું કારણ આપી તંત્રે અગાઉ માત્ર 400 લોકોને જ પરીક્રમાં કરવાની મંજુરી આપી હતી જોકે પરિક્રમા કરવા આવી પહોચેલા પરિક્રમાર્થીઓએ ગેટ પર હોબાળો મચાવ્યો હતો જે બાદ તંત્ર ઘુટણીએ પડી ગયું હતું અને મોડી રાત્રે પરિક્રમા કરવ આવેલ લોકોને છૂટ આપી દીધી હતી.
કારતક સુદ અગિયારસથી શરુ થતી ગિરનાર લીલી પરિક્રમામાં અગાઉ માત્ર 400 લોકોને મંજુરી આપવામાં આવી હતી જેમાં માત્ર સાધુ સંતોને જ સમાવવામાં આવ્યા હતા. જોકે હવે વહીવટી તંત્રે પોતાનો નિર્ણય ફેરવી તોળ્યો છે. ભક્તોની ભીડ સામે તંત્રે ઘૂંટણીયું ભરવું પડ્યું છે. ગઈ કાલે રાત્રે પરિક્રમાના પ્રવેશ દ્વાર રૂપાયતન તળેટીના દરવાજે ભક્તોએ હોબાળો મચાવ્યો હતો. હાલમાં દર વર્ષની જેમ આ વર્ષે કોઈપણ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી નથી જેથી અવ્યવસ્થા સર્જાઈ શકે તેવી ભીતિ પણ સેવાઈ રહી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે ભક્તોને વહેલી સવારે ચાર વાગ્યાથી આઠ વાગ્યા દરમિયાન 400 ના જૂથમાં પ્રવશે આપવામાં આવશે. ભક્તો માટે લાઈટ, પાણી, ભોજન અને રસ્તા સહિતની સુવિધાનો અભાવ છે. જેના લીધે પરિક્રમા કરવા આવતા ભક્તોને મુશ્કેલીનો સામનો કરવો પડશે. ગત વર્ષે ગરવા ગિરનારની લીલી પરિક્રમાને કોરોનાનું ગ્રહણ લગ્યું હતુ. કોરોનાના વધતા કેસને કારણે ગત વર્ષે લીલી પરિક્રમા બંધ રાખવામાં આવી હતી. જોકે, પરંપરા તૂટે નહીં તે માટે પરિક્રમાના ગેટ પાસે પૂજન વિધિ કરી પરિક્રમાનું ધાર્મિક મહત્ત્વ જળવાઈ રહે તેવો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
દર વર્ષે ગિરનારની લીલી પરિક્રમા કરવા માટે 10 લાખથી વધુ ભક્તો જૂનાગઢ આવતા હોય છે. ભક્તો ગિરનાર અભ્યારણ્યમાં અતિ કઠીન એવી 36 કિલોમીટરની પરિક્રમા ચાલીને કરતા હોય છે. લોકો ત્રણ રાત અને ચાર દિવસ સુધી ચાલીને પરિક્રમા પૂર્ણ કરતા હોય છે.ઈટવા ઘોડીથી શરુ થતી પરિક્રમા માળવેલા, જાંબુડી, સરાકડીયા, પાટવડ, નળપાણીની ઘોડી, બોરદેવી થઈ પરત ભવનાથ તળેટીમાં પરિક્રમાની પૂર્ણ થતી હોય છે. જેમાં અલગ-અલગ અન્નક્ષેત્રોમાં પરિક્રમાર્થીઓને ભોજન પ્રસાદની વ્યવસ્થા થતી હોય છે. આ પરિક્રમા દરમિયાન લાખોની સંખ્યામાં લોકો ગિરનારની પ્રદક્ષિણા કરી પુણ્યનું ભાથું બાંધતા હોય છે.