વધતી જતી મોંધવારીને લઈને દેશની પ્રજા પરેશાન છે. પેટ્રોલ-ડીઝલ અને તેલ બાદ હવે CNG ગેસના ભાવમાં પણ વધારો થયો છે. જેની સીધી અસર સ્થાનિક પરિવહન પર થઈ શકે એવી પૂરી શકયતાઓ છે. CNG ગેસના ભાવ વધારાને કારણે સામાન્ય માણસના બજેટને મોટો ફટકો પડ્યો છે. દેશમાં ઘણી કંપનીઓ CNG ગેસ આપી રહી છે. ગુજરાત અને અદાણી બાદ હવે દેશની વધુ એક પ્રમુખ કંપનીએ ગેસના ભાવમાં મોટો વધારો કર્યો છે.
જોકે, હવે દિલ્હીમાં રિક્ષાભાડા વધે એવી પૂરી સંભાવના છે. છેલ્લા 45 દિવસમાં CNG ગેસમાં આ ભાવ વધારાને શહેરદીઠ મોટો ભાવ વધારો માનવામાં આવે છે. જોકે, છેલ્લા દસ દિવસથી આંશિક ભાવ વધારા સાથે પેટ્રોલ ડીઝલના ભાવ સ્થિર થયા છે. કેન્દ્ર સરકારે એક્સાઈઝ ડ્યૂટીમાં ઘટાડો કરતા પેટ્રોલ ડીઝલના ભાવ ગગડ્યા હતા. તા.3 નવેમ્બરના રોજ કેન્દ્ર સરકારે એક્સાઈઝ ડ્યૂટીમાં ઘટાડો કર્યો હતો. ત્યાર બાદ પેટ્રોલીમાં સીધા રૂ.5 અને ડીઝલમાં સીધા રૂ.10 ઘટ્યા હતા. આ પછી ભાજપ શાસિત રાજ્યમાં વેટ પણ ઘટાડી દેવાયો હતો.
ઈન્દ્રપ્રસ્થ ગેસ લિમિટેડે CNG ગેસના ભાવમાં વધારો કર્યો છે. છેલ્લા બે મહિનામાં CNG ગેસની કિંમતમાં 6.84 રૂપિયાનો વધારો થયો છે. પેટ્રોલ ડીઝલમાં આંશિક રાહત મળ્યા બાદ પણ કિંમત દરરોજ વધી રહી છે. બે દિવસ સુધી રાહત મળ્યા બાદ કિંમતમાં ફરી વધારો થયો છે. એવામાં ફરી CNGના ભાવ વધારો થતા પરિવહન હજું મોંઘુ થવાના એંઘાણ છે. CNG ગેસના ભાવમાં વધારો થતા સામાન્ય માણસના ખર્ચમાં પણ વધારો થશે. દેશની રાજધાની દિલ્હીમાં CNG ગેસની કિંમતમાં રૂ.2.28 પ્રતિ કિલોએ ભાવ વધારો થયો છે. જ્યારે ગ્રેટર નોઈડા, નોઈડા અને ગાઝિયાબાદમાં પણ CNG ગેસની કિંમતમાં 2.56 રૂપિયાનો વધારો થયો છે.
અત્યાર સુધી દિલ્હીમાં એક કિલો CNG ગેસ માટે રૂ.49.76 ચૂકવવા પડતા હતા. પણ હવે રૂ.52.04 ચૂકવવા પડશે. ગ્રેટર નોઈડા અને ગાઝિયાબાદમાં પણ CNG ગેસ માટે રૂ.58.58 દેવાના રહેશે. આ વર્ષે ઓગસ્ટથી લઈ અત્યાર સુધીમાં રાજધાની દિલ્હીમાં CNG ગેસની કિંમતમાં સીધા રૂ.8નો વધારો થયો છે. વધેલી આ કિંમત રવિવારથી લાગુ પડી ગઈ છે. છેલ્લા એક મહિનામાં દિલ્હી સિટીમાં સતત ત્રીજી વખત CNG ગેસમાં ભાવ વધારો થયો છે. રવિવારે સવારે આ ભાવ વધારાની જાહેરાત કરવામાં આવી હતી.