મોરબીના કંડલા બાયપાસ રોડ પર આવેલ મનુપાર્કમાં મોડી રાત્રે લોહિયાળ મારામારીની ઘટના સામે આવી છે. માત્ર જૂના બુલેટના ડખ્ખામાં એક ટ્રક ડ્રાઇવરના ઘરમાં ઘૂસીને ત્રણ શખ્સોએ બેરહેમીપૂર્વક માર માર્યો હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે.
મોરબીના આનંદનગર પાછળ રહેતા નિલેશભાઇ પુનાભાઇ વાળાના ભાઈનું બુલેટ આરોપી સાગર ઉર્ફે ચોટી મુંધવા બારોબાર લઈ ગયો હતો. નિલેશભાઈ અવારનવાર આ બુલેટ પરત માંગતા હોવાથી સાગરે તેનો ખાર રાખ્યો હતો તાજેતરમાં 25 એપ્રિલની રાત્રે દોઢ વાગ્યાના અરસામાં, સાગર અને તેના બે અજાણ્યા સાગરીતો કાળા કલરની સ્કોર્પીયો ગાડી લઈને નિલેશભાઈના ઘરે ધસી આવ્યા હતા. આરોપીઓએ ઘરમાં ઘૂસીને હંગામો મચાવ્યો હતો. સાગરે લાકડાના બેટ વડે નિલેશભાઈના માથાના ભાગે અને પગે ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. આટલું જ નહીં, અન્ય એક શખ્સે તેમને પકડી રાખ્યા હતા અને ત્રીજા શખ્સે લોખંડના સળિયા વડે હુમલો કરતા નિલેશભાઈના હાથે ફ્રેક્ચર જેવી ગંભીર ઈજાઓ પહોંચી છે. હુમલાખોરોએ જતી વખતે નિલેશભાઈને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. હાલમાં મોરબી એ-ડિવિઝન પોલીસે આરોપી સાગર ઉર્ફે ચોટી અને બે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) ની નવી કલમો 115(2), 117(2), 329(3) અને 351(3) સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. એ.એસ.આઇ. કે.એમ. મિયાત્રા આ મામલે આગળની તપાસ ચલાવી રહ્યા છે

