દેશની રાજધાની દિલ્હીમાં છેલ્લા એક અઠવાડિયાથી સતત વધી રહેલા પ્રદુષણને લઈને સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને આકરા સવાલ કર્યા છે. રાજધાની દિલ્હી તથા એની આસપાસના શહેરમાં સતત વધી રહેલા પ્રદુષણને કારણે શ્વાસ લેવામાં મુશ્કેલી ઊભી થાય એવી સ્થિતિ થઈ છે. ખાસ કરીને વહેલી સવારે જાણે એકાએક શિયાળો આવ્યો હોય એવું વાતાવરણ જોવા મળે છે. શનિવારે સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને સણસણતા સવાલ કર્યા હતા.
દિલ્હીમાં વાયુ પ્રદૂષણ પરની અરજીની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કેન્દ્રને કહ્યું, નાના બાળકોને આ સિઝનમાં શાળાએ જવું પડે છે. અમે આવી સ્થિતિમાં તમને ખુલ્લા પાડી રહ્યા છીએ. ડૉ. ગુલેરિયા (AIIMS)એ કહ્યું કે અમે પ્રદૂષણ, રોગચાળો અને ડેન્ગ્યુ કંટ્રોલમાં લાવી રહ્યા છીએ. સિસ્ટમ ઓફ એર ક્વોલિટી વેધર ફોરકાસ્ટિંગ રિસર્ચ (SAFAR)પ્રમાણે દિલ્હીમાં શનિવારે સવારે 7:35 વાગ્યે હવાની ગુણવત્તા 499 ની એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI)હતી. જે ગંભીર શ્રેણીમાં આવે છે. શુક્રવારે સાંજે 4 વાગ્યે રાષ્ટ્રીય રાજધાનીમાં AQI 471 હતો.
ત્રણ જજની બેચે કેન્દ્ર સરકારને લોકડાઉન સંબંધીત સવાલ કર્યા છે. ચીફ જસ્ટિસ ઓપ ઈન્ડિયા એન વી રમણની અધ્યક્ષતામાં જજ ડી વાય ચંદ્રચુડ અને જસ્ટિસ સૂર્યકાંતની બેચે કેન્દ્ર સરકારને પૂછ્યું કે, પ્રદુષણને લઈને અત્યાર સુધી સરકારે કર્યું શું? પરાળી બાળવા માટે ખેડૂતોને મફત મશીન કેમ નથી આપવામાં આવતા? દિલ્હીની હાલત ખરાબ છે. સ્થિતિ ગંભીર છે. લોકોએ ઘરમાં પણ માસ્ક પહેરીને રાખવું પડે એવી પરિસ્થિતિ છે. માત્ર પરાળીની વાત જ કેમ થઈ રહી છે? ફટાકડા અને વાહનથી થતા પ્રદુષણનું શું? કેન્દ્ર સરકાર જવાબ આપે કે, AQIને 500થી ઓછી કરવા, ઓછામાં ઓછા 200 પોઈન્ટ ઘટાડવા માટે કોઈ પ્લાન છે ખરા? છે તો કેવી રીતે કામ કરી શકાય? આ માટે યોગ્ય ઉકેલ લાવો.
શું તમે બે દિવસ માટે લોકડાઉન અથવા તો બીજા કોઈ વિકલ્પો અંગે વિચાર્યું છે ખરા? લોકો દિલ્હીમાં કેવી રીતે રહેશે એ માટેનું કોઈ આયોજન છે ખરા? પ્રદુષણને લઈને યુદ્ધના ધોરણે બેઠક બોલાવો. યોગ્ય નિર્ણય લો. કેન્દ્ર સરકાર તરફથી કોર્ટમાં સોલિસિટર જનરલે કહ્યું કે, શનિવારે કેન્દ્ર સરકાર આ માટે ઈમરજન્સી બેઠક બોલાવશે. આ મુદ્દાને રાજકારણથી અલગ રાખવાની જરૂર છે. પહેલા દિલ્હીને કંટ્રોલ કરો. કોર્ટે ઉમેર્યું કે, પ્રદુષણને લઈને તાત્કાલિક કોઈ નિર્ણય લો, બેઠક બોલાવો અને કામ કરો. જેથી કરીને બેથી ત્રણ દિવસમાં આ સ્થિતિમાં નીવેડો આવે.