-
સાંસદ કેશરીદેવસિંહજી અને ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી સહિતના રાજકીય-સામાજિક આગેવાનોની પ્રેરક ઉપસ્થિતિ રહેશે
-
ઉદ્ઘાટન પ્રસંગે ગામમાં ભવ્ય રેલી, મહાપ્રસાદ અને રાત્રે ભીમ ડાયરાનું વિશેષ આયોજન
વાંકાનેર:
મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના માટેલ ગામે આગામી તા. ૩૦-૦૫-૨૦૨૬, શનિવારના રોજ ડો.બાબા સાહેબ આંબેડકર ભવન તથા તેમની ભવ્ય પ્રતિમાનો લોકાર્પણ મહોત્સવ યોજાશે. બાબા સાહેબના “શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરો” ના સૂત્રને સાર્થક કરવા માટેલ ગામના વતની અને આંબેડકર વિચારધારા ધરાવતા અગ્રણી નારણભાઇ છગનભાઇ ચાવડાએ વ્યક્તિગત રસ લઈ સરકારી ખરાબો મંજુર કરાવ્યો હતો. ત્યારબાદ ગ્રામ પંચાયતના સહયોગથી પોતાના સ્વ-ભંડોળમાંથી રૂા.૩૫,૦૦,૦૦૦ ના ખર્ચે આ ભવ્ય ભવન અને પ્રતિમાનું નિર્માણ પૂર્ણ થયું હતું .
તા 30 મે ની સાંજે ૪ કલાકે યોજાનારા આ કાર્યક્રમના ઉદ્ઘાટક તરીકે રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહજી જયારે કાર્યક્રમના અધ્યક્ષ તરીકે વડગામના ધારાસભ્ય જીજ્ઞેશભાઈ મેવાણી ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત મુખ્ય અતિથિ તરીકે પૂર્વ ધારાસભ્યો જાવેદભાઈ પીરજાદા, નૌશાદભાઈ સોલંકી, સિધ્ધાર્થભાઈ પરમાર, ડો. દિનેશભાઇ પરમાર તેમજ મોરબી જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ હંસાબેન પારધી હાજરી આપશે. જ્યારે પૂજ્ય મહંત સીતારામબાપુ, ભન્તે ધમ્મરતન અને મહંત જમનાદાસબાપુના હસ્તે દીપ પ્રાગટ્ય થશે.
કાર્યક્રમની રૂપરેખા:
-
સાંજે ૪:૦૦ થી ૫:૦૦: માટેલ ગામમાં ભવ્ય રેલી
-
સાંજે ૫:૦૦ થી ૮:૦૦: ભવન તથા પ્રતિમાનું ભવ્ય ઉદ્ઘાટન અને સભા
-
રાત્રે ૮:૩૦ થી ૯:૩૦: ભોજન સમારંભ (મહાપ્રસાદ)
-
રાત્રે ૧૦:૦૦ કલાકે: લોકસાહિત્યકાર મનસુખભાઈ રાઠોડ અને ભજનીક અંકિતભાઈ રાઠોડના સથવારે ભવ્ય ‘ભીમ ડાયરો’.
સમસ્ત માટેલ ગામ અને ચાવડા પરિવાર દ્વારા બહુજન સમાજના ભાઈ-બહેનોને આ ગૌરવવંતા પ્રસંગે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

