વડોદરા શહેરમાં દર્દીઓ પાસેથી ઉઘાડી લૂંટ ચાલવનાર સ્ટર્લિંગ હોસ્પિટલ સામે ફરિયાદી હારમાળા છે. સ્ટર્લિંગ હોસ્પિટલના મેનેજમેન્ટની સામે અત્યાર સુધી કુલ 40 દર્દીઓ-સગાઓએ વધુ બિલ વસૂલ્યાની પોલીસ કમિશનરને ફરિયાદ કરી છે. જે બિલ ખોટા હોવાનું દર્દીઓના સગાનું કહેવું છે. બુધવારે વધુ 15 લોકોએ હોસ્પિટલે ખોટી રીતે રૂ.76 લાખ વસુલ્યાં હોવાની ફરિયાદ પોલીસ કમિશનરને કરી હતી. આ હોસ્પિટલ સામે એવો આક્ષેપ કરાયો હતો કે વેન્ટીલેટર પર રહેલા અને બેભાન દર્દીના ભોજનના નાણા પણ વસુલાયા હતા. આ પહેલા દિવાળીના બે દિવસ બાદ 7 દર્દીઓએ હોસ્પિટલે તેમની પાસેથી સારવારના નામે રૂ. 39.63 લાખ ખંખેર્યા હોવાનો આક્ષેપ લગાવ્યો હતો.
સ્ટર્લિંગ હોસ્પિટલમાં ફરજ બજાવનાર પલ્મોનોલોજીસ્ટ સોનિયા દલાલે હોસ્પિટલ સામે બાંયો ચડાવી છે. એમની સાથે ભોગ બનનારા બીજા પણ કેટલાક દર્દીઓ જોડાયા છે. રૂ.20 કરોડની કન્સલ્ટન્સી ચૂકવી ન હોવાની અરજી પર ક્રાઈમ બ્રાંચ તપાસ કરાઈ રહી છે. ક્રાઈમ બ્રાંચ હવે હોસ્પિટલ સામે આક્ષેપ કરનારા દર્દીઓ અથવા તેમના સગાઓના નિવેદનો નોંધવામાં આવી રહી છે. ભોગ બનનારાઓએ કહ્યું કે, ડૉ. સોનિયા દલાલના નામે અમારી પાસેથી પૈસા લેવાયા છે. વેન્ટીલેટર પર રહેલા દર્દીઓના નામે લંચ અને ડીનરના પૈસા લીધા છે. એક્સ રે જેવી સર્વિસ પેકેજમાં આવરી લેવાઈ હોવા છતાં અલગથી પૈસા લેવાયા છે. અત્યાર સુધી ક્રાઈમ બ્રાંચે 11 જેટલા ફરિયાદીઓના નિવેદનો લીધા છે. આ પહેલા વડોદરાના પલ્મોનોલોજિસ્ટ ડો.સોનિયા દલાલે ક્રાઇમ બ્રાન્ચમાં અરજી આપી હતી.
જેમાં વર્ષ 2018માં તેમની સાથે સ્ટર્લિંગ હોસ્પિટલે એમઓયુ કર્યું હતું અને એ પ્રમાણે હોસ્પિટલે ઇન્ડોર પેશન્ટનો જે ચાર્જ થાય એ તમામ તેમને આપવાનો હતો. પેશન્ટની સર્જરી થાય તો બિલના 80 ટકા તેમને આપવાના હતા અને આઉટડોર પેશન્ટ ચકાસવામાં આવે તો 80 ટકા રકમ તેમને આપવાની હતી. આ રકમ દર ત્રણ મહિને ચૂકવવામાં આવતી હતી. ત્યાર બાદ કોરોના મહામારી શરૂ થતાં કોર્પોરેશન દ્વારા હોસ્પિટલમાં દાખલ થતા દર્દીઓ માટે ગાઇડલાઇન જાહેર કરવામાં આવી હતી.