ભારતી જનતા પાર્ટીએ આ વર્ષે માર્ચ મહિનામાં આસામ, પોંડીચેરી, તામિલનાડું, પશ્ચિમ બંગાળ અને કેરળમાં યોજાયેલી વિઘાનસભાની ચૂંટણીમાં પ્રચાર અભિયાન પર રૂ.252 કરોડનો ખર્ચો કર્યો છે. આ રકમમાં રૂ.151 કરોડ માત્ર પશ્ચિમ બંગાળમાં ખર્ચાયા છે. જ્યારે તૃણમુલ કોંગ્રેસ તરફથી આપવામાં આવેલા ખર્ચના રીપોર્ટમાં તે ભાજપ કરતા પણ આગળ છે. તૃણમુલ કોંગ્રેસે ભાજપથી વધારે રૂ.154.28 કરોડનો ખર્ચો કર્યો છે.
પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી ભાજપ માટે એક કપરી કસોટી રહી હતી. જ્યાં ભાજપે તૃણમુલ કોંગ્રેસ સામે પોતાની સમગ્ર શક્તિઓ ખર્ચી નાંખી હતી. પશ્ચિમ બંગાળમાં 200થી વધારે બેઠક મળશે એવો દાવો ભાજપે કર્યો હતો. પણ પાર્ટી 77 બેઠકમાં જ સમેટાઈ ગઈ હતી. પશ્ચિમ બંગાળની વિધાનસભા ચૂંટણીમાં તુણમુલ કોંગ્રેસે રૂ.154.28 કરોડનો ખર્ચો કર્યો છે. બીજી તરફ હાલમાં ભાજપનું ફોક્સ ઉત્તર પ્રદેશ પર છે. આ માટેની તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે. કારણ કે, ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે. અમિત શાહે આ માટે ખાસ આયોજન કર્યું હોવાનું પણ રાજકીય સુત્રોમાંથી જાણવા મળ્યું છે.
ચૂંટણી પંચને સોંપવામાં આવેલા એક રીપોર્ટ અનુસાર ભાજપે પાંચ રાજ્યના ચૂંટણી પ્રચારમાં પોંડીચેરીમાં રૂ.4.79 કરોડ ખર્ચ કર્યા છે. આસામમાં ભાજપે પ્રચાર હેતું રૂ.43.81 કરોડ અને તમિલનાડુંમાં રૂ.22.97 કરોડ ખર્ચી નાંખ્યા છે. જ્યારે કેરળમાં ભાજપ પક્ષે 29.24 કરોડનો ખર્ચો કર્યો છે. પશ્ચિમ બંગાળમાં આટલી મોટી રકમનો ખર્ચો કર્યા બાદ પણ મમતા દીદીને કોઈ સત્તા પર આવતા રોકી શક્યુ નથી. ભાજપ માટે રાહતની વાત એ રહી કે, પહેલી વખત ભાજપ પશ્ચિમ બંગાળમાં મુખ્ય વિપક્ષ બનવામાં સફળ રહ્યો. ડાબેરીઓ અને કોંગ્રેસના સૂપડા સાફ થઈ ગયા.
આસામમાં ભાજપ ફરી એકવખત સત્તા પર આવ્યો. પોંડીચેરીમાં પહેલી વખત ગઠબંધન સરકાર રચવામાં તે સફળ રહ્યો. જ્યારે પોંડીચેરીમાં કોંગ્રેસે સત્તા ગુમાવી. તમિલનાડુંમાંથી ભાજપને માત્ર 2.6 ટકા મત મળ્યા. દક્ષિણના આ રાજ્યમાં દ્રવિડ મનેત્ર કષગમ પોતાના કટ્ટર હરીફ AIADMK પાસેથી સત્તા મેળવવામાં સફળ રહી છે. જ્યાં ભાજપ AIADMK સાથે મળીને ચૂંટણી લડી રહ્યો હતો. કેરળમાં LDF પોતાની સત્તા બચાવવામાં સફળ રહ્યો છે. કેરળમાં ભાજપનું કમળ ખીલ્યું નથી. જ્યારે કોંગ્રેસને પણ કોઈ બેઠક મળી નથી.