કહેવત છે કે, અણીનો ચૂક્યો સો વર્ષ જીવે. કંઈક આવી જ ઘટના મહાનગર વડોદરામાંથી સામે આવી છે. જ્યાં એક યુવતી ટ્રાફિક સિગ્નલ તોડીને રોંગ સાઈડમાં જઈ રહી હતી. એ સમયે ટ્રકની પાછળથી આવી રહેલી કાર સાથે યુવતી પોતાના એક્ટિવા સાથે ટકરાઈ હતી. ટ્રાફિકના નિયમોનું પાલન કરવું જરૂરી છે. પણ કેટલાક લોકો ટ્રાફિક તોડવાને સિદ્ધિ માની રહ્યા છે. જેના કારણે ક્યારેક જીવ પર મોટું જોખમ ઊભું થાય છે. આ કેસમાં યુવતી કાર સાથે અથડાયા બાદ માંડ માંડ બચી હતી. આ સમગ્ર ઘટનાનો સીસીટીવી વીડિયો વડોદરા પોલીસે શેર કર્યો છે.
વડોદરા શહેરના જેલ રોડ પર આ ઘટના બની હતી. જેમાં યુવતી માંડ બચી હતી. આ ઘટનામાં યુવતીનો આબાદ બચાવ થયો છે પણ આ ઘટના દરેકને એક સાચો પાઠ ભણાવી જાય છે. એક્ટિવા પર જઈ રહેલી યુવતી ભીમનાથ બ્રીજ પાસે ટ્રાફિક સિગ્નલ તોડીને સ્પીડમાં વાહન હંકારીને રસ્તો ક્રોસ કરી રહી હતી. આ સમયે સામેથી આવી રહેલી કાર સાથે તે અથડાઈ ગઈ હતી. ટ્રક અને કાર વચ્ચે રહેલી જગ્યામાં તે પડી ગઈ હતી. પણ સદનસીબે જીવ બચી ગયો હતો. એક્ટિવા કાર સાથે ધડાકાભેર અથડાયું હતું. યુવતી ટ્રક નીચે આવતા આવતા બચી ગઈ હતી. અન્યથા આ ઘટનામાં યુવતીનો જીવ જાત. આ અકસ્માત બાદ ટ્રાફિક સિગ્નલ પર રહેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો હતો. ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે,યુવતી ટ્રક નીચે આવતા બચી જાય છે. કાર અને ટ્રક વચ્ચે રહેલી જગ્યામાં પડી જાય છે. આ વીડિયો જોઈને એટલું કહી શકાય કે, ક્યારેય ટ્રાફિક સિગ્નલ તોડવું ન જોઈએ. ટ્રાફિક સિગ્નલ તોડવું જીવ માટે જોખમી પુરવાર થઈ શકે છે. વડોદરા ટ્રાફિક પોલીસે આ વીડિયો શેર કરીને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે, ટ્રાફિક સિગ્નલ તોડવાના ગંભીર પરિણામો આવી શકે છે. જોકે, આ વીડિયો શેર થયા બાદ સમગ્ર વડોદરા તથા રાજ્યમાં વાયુવેગે સોશિયલ મીડિયા પર શેર થઈ રહ્યો છે.
સિગ્નલ તોડવું કેટલું ભયજનક હોઈ શકે છે.. આપ પોતે જ જુઓ..@sanghaviharsh @ashishbhatiaips@Shamsher_IPS @GujaratPolice@pkumarias#VadodaraCityPolice pic.twitter.com/EiYKFuZqHd
— Vadodara City Police (@Vadcitypolice) November 9, 2021
લોકો પણ પોતાના સંપર્કમાં રહેલા અન્યને વીડિયો શેર કરીને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માટે સૂચના આપે છે. પોલીસે શેર કરેલા આ વીડિયો પર યુઝર્સ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. જોકે, વીડિયોમાં જોઈ શકાય છે કે, ટ્રક ચાલક પોતાના ટ્રકમાંથી નીચે ઊતરીને યુવતીની મદદ કરવા માટે આગળ આવે છે. માત્ર મહાનગર જ નહીં નાના શહેરમાં પણ ટ્રાફિક સિગ્નલ તોડનારાને કારણે ક્યારેક મોટું નુકસાન વેઠવાનો વારો આવે છે.