મહાનગર અમદાવાદને હેરિટેજ સિટીનો દરજ્જો આપવામાં આવ્યો છે. પણ છેલ્લા 2 વર્ષના સમયગાળામાં 40 થી વધારે હેરિટેજ મકાન તોડી પાડીને નવું બાંધકામ કરી દેવાયું છે. અથવા તો ત્યાં ખુલ્લો પ્લોટ પડ્યો છે. હેરિટેજ મકાનને રીનોવેટ કરી વારસો સાચવવાની વાતો વચ્ચે ટી ગર્ડર પર બનતા મકાન ધરમૂળથી હેરિટેજ લુક બદલી નાખે છે.
અમદાવાદ કોર્પોરેશનની યાદી અનુસાર અમદાવાદની 2039 મિલકતનો હેરિટેજમાં સમાવેશ થાય છે. જેમાંથી 67 મિલકત ગ્રેડ 1 માં આવે છે. 427 મિલકતનો સમાવેશ ગ્રેડ 2 માં કરાયો છે. 1545 મિલકતનો સમાવેશ ગ્રેડ 3 માં કરાયો છે. 2039 હેરિટેજ મિલકતમાં 175 પોળનો પણ સમાવેશ થાય છે. પણ છેલ્લા 2 વર્ષમાં 40થી પણ વધુ હેરિટેજ મિલકત જમીનદોસ્ત થઈ ગઈ છે. વર્ષ 2019માં પણ આવા અનેક હેરિટેજ મકાન તૂટીને નવા મકાન બની ગયા હતા. આવા 31 મકાનને નોટીસ આપી કેટલાકને તોડી દેવાયા હતા. હેરિટેજ મકાનના માલિક જ્યારે રીપેરીંગ માટે મંજૂરી માગે છે એ પછી એનો લુક હેરિટેજ જેવો રહેતો નથી. આવા અનેક કિસ્સા બનેલા છે.

પછી આવા મકાનનો કોમર્શિયલ ઉપયોગ થાય છે. જમાલપુરમાં આવેલી ઘાચીની પોળને રીનોવેશન માટે મંજૂરી અપાઈ હતી. બિલ્ડિંગનું ટી ગર્ડર પર રિનોવેશન થયું. એ પછી એનો આખો લુક બદલી ગયો. એટલે રીપેરીંગ માટેની મંજૂરી મળ્યા બાદ એ હેરિટેજ રહેતા નથી.