મોરબી મહાનગરપાલિકાની મેલેરિયા શાખા દ્વારા મચ્છરજન્ય રોગોના નિયંત્રણ અને અટકાયત માટે શહેરના વિવિધ વિસ્તારોમાં વિશેષ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ અભિયાન અંતર્ગત વણકરવાસ, વજેપર, મારૂતિનગર, રાવળશેરી, રવિપાર્ક અને વિવિધ વિસ્તારમાં ઘરેઘરે જઈ પાણી ભરાયેલા પાત્રોની તપાસ કરવામાં આવી હતી. સાથે જ આવા સ્થળોએ મચ્છરના પોરા ન થાય તે માટે એબેટ દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો.
તે ઉપરાંત રાધેકૃષ્ણા વિસ્તાર, વજેપર ગટર, રબારીવાસ તેમજ સમયગેટ નજીક આવેલા વોકળામાં મચ્છરોની વધતી સંખ્યા રોકવા માટે ફોગિંગ અને દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો. શાકમાર્કેટ અને લખધીરવાસ વિસ્તારની ગટરોમાં પણ મચ્છરનાશક દવાઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
મહાનગરપાલિકાએ નાગરિકોને મચ્છરજન્ય રોગોથી બચવા માટે જરૂરી તકેદારી રાખવા અપીલ કરી છે. જેમાં ઘરેલુ પાણીના પાત્રોને હવાચુસ્ત ઢાંકણથી બંધ રાખવા, સાંજના સમયે બારીઓ-બારણાં બંધ રાખવા, મચ્છરદાનીનો ઉપયોગ કરવો અને શરીર સંપૂર્ણ ઢંકાય તેવા કપડાં પહેરવાની સલાહ આપવામાં આવી છે. ઉપરાંત ઘરની આસપાસ ભરાયેલું બંધિયાર પાણી દૂર કરી તેને વહેતું કરવા તથા તાવ જેવા લક્ષણો જણાય તો તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવા સૂચના આપવામાં આવી છે.

