ઉત્તર પ્રદેશના બલિયા જિલ્લાના બાંસડીહ રોડ પોલીસ સ્ટેશન વિસ્તારના ગામમાં લગ્નની વચ્ચેથી વરરાજા અચાનક ફરાર થયાનો કેસ નોંધાયો છે. આ ઘટના સામે આવતા હોબાળો મચી ગયો હતો. વરરાજા લાંબા સમય સુધી ગાયબ રહ્યા બાદ બંને પક્ષની પરસ્પર પંચાયત દ્વારા મામલો થાળે પાડવામાં આવ્યો હતો. યુવતીના પક્ષે મંદિરમાં મહેમાનો માટે નાસ્તાથી લઈને ભોજન સુધીની વ્યવસ્થા કરી હતી.
વર પક્ષના લોકો સમયસર આવી જતા બંને પક્ષના લોકો નાસ્તો વગેરે વચ્ચે એકબીજા સાથે વાતોમાં વ્યસ્ત થઈ ગયા. વર પણ તેના મિત્રો સાથે મસ્તી મજાકમાં મગ્ન હતો. થોડા સમય પછી, જ્યારે સિંદૂરદાન વિધિ માટે વરરાજાની શોધ કરવામાં આવી રહી હતી. બધાને એવું લાગતું હતું કે, તે થોડીવારમાં પાછો આવશે. પણ વરરાજા ક્યાંય દેખાયા નહીં. પરંતુ લાંબા સમય સુધી રાહ જોયા બાદ પણ વરરાજા પરત ન ફરતા બધા ટેન્શનમાં આવી ગયા હતા.
તેના મોબાઈલ પર ફોન કર્યો હતો. તેનો પણ મોબાઈલ સ્વીચ ઓફ આવતા બધાના શ્વાસ અદ્ધર થઈ ગયા હતા. મોબાઈલ બંધ આવતા બંને પક્ષના લોકોમાં ડર ફેલાઈ ગયો હતો. થોડા સમય પછી લોકોએ વરને શોધવાનું શરૂ કર્યું, પરંતુ વર વિશે કોઈ માહિતી ન મળતા છોકરીના માતા-પિતા ગુસ્સે થયા હતા.
બંને પક્ષોએ પંચાયત કરીને મામલો થાળે પાડવાનું નક્કી કર્યું હતું. બંને પક્ષોએ એકબીજાને આપેલા શુકન પરત કર્યા. આ પછી બંને પક્ષના લોકો મંદિર છોડીને ચાલ્યા ગયા, પરંતુ આ બધાની વચ્ચે વરરાજાને જાણ કર્યા વિના લગ્ન સ્થળેથી ગાયબ થઈ જવું બંને પક્ષના ગુસ્સાનું કારણ બની ગયું હતું. જો કે, હજી પણ વરરાજા અંગે કોઈ માહિતી સામે આવી નથી.