દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દિલ્લીવાસીઓ માટે ફ્રી રાશન યોજનાને 6 મહિના માટે વધારી દીધી છે. તેની સાથે જ તેણે પીએમ નરેન્દ્ર મોદીને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ મળનારા રાશન માટે 6 મહિનાનો વધારો કરવા માટે અપીલ કરી છે. કેજરીવાલે જણાવ્યું હતું કે, મોંઘવારી બહુ વધી ગઈ છે. સામાન્ય માણસને બે સમયની રોટલી પણ મુશ્કેલ બની છે. જ્યારે કોરોનાના કારણે ઘણા બેરોજગાર થઈ ગયા છે. પ્રધાનમંત્રી ગરીબોને ફ્રીમાં રાશન દેવાની આ યોજનાને મહેરબાની કરીને 6 મહિના વધારે.
કેન્દ્ર સરકારમાં ખાદ્ય અને ઉપભોક્તા મામલાના સચિવ સુધાંશુ પાંડેએ શુક્રવારે કહ્યું હતું કે, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના એટલે કે પીએમજીકેઈવાય હેઠળ ગરીબોને નવેમ્બર બાદ ફ્રીમાં રાશન નહીં મળે. તેની સાથે તેમણે કહ્યું હતું કે, દેશની અર્થવ્યવસ્થા પાટા ઉપર આવી રહી છે. એ માટે ફ્રીમાં રાશન દેવાની યોજનાને નવેમ્બરથી આગળ વધારવાનો કોઈ પ્રસ્તાવ નથી.
જણાવી દઈએ કે, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાની જાહેરાત વિતેલા વર્ષમાં માર્ચ મહિનામાં કરાઈ હતી. તે બાદથી જ કેન્દ્ર સરકાર તરફથી આ યોજના હેઠળ ગરીબ પરિવારોને ફ્રીમાં રાશન આપવામાં આવી રહ્યું છે. શરૂઆતમાં આ યોજના એપ્રીલ-જૂન 2020ના સમયગાળા માટે જ હતી. પરંતુ બાદમાં તેને 30 નવેમ્બર, 2021 સુધી વધારાઈ હતી.
પીએમજીકેઈવાય હેઠળ 80 કરોડથી વધારે લોકોને પ્રતિ મહિને 5 કિલો ફ્રીમાં ઘઉં, ચોખાની સાથે 1 કિલો ફ્રીમાં ચણા પ્રત્યેક પરિવારને આપવામાં આવી રહ્યાં છે. રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ હેઠળ 80 કરોડ રાશનકાર્ડ ધારકોને ફ્રીમાં રાશન મળી રહ્યું છે. રાશનની દુકાનોના માધ્યમથી તેનું વિતરણ કરાઈ રહ્યું છે. સબસીડીવાળા અનાજ સિવાય ફ્રીમાં રાશન આપવામાં આવે છે.