દેશભરમાં દિવાળીના તહેવારનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દરેક ઘરમાં નવા નવા કપડાંથી લઈને મીઠાઈ સુધી તૈયારીઓ થઈ ચૂકી છે. રંગોળીથી દિવસની શરૂઆત થાય છે જ્યારે સાંજે રોશની કરવામાં આવે છે. લાઈટિંગ સીરિઝ આવી હોવા છતાં દીવાનું મહત્ત્વ ઓછું થયું નથી. એવામાં ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં આ વખતે દિવાળીના પર્વ પર એક ખાસ પ્રકારની મીઠાઈ ચર્ચામાં છે. જેને ગોલ્ડન મીઠાઈ નામ આપવામાં આવ્યું છે.
મીઠાઈની ચર્ચા સમગ્ર લખનઉ સિટીમાં થઈ રહી છે. કારણ કે એનો સ્વાદ મનમોહક છે. જ્યારે મીઠાઈની કિંમત અંગે સૌ કોઈ નગરવાસીઓ વાતો કરી રહ્યા છે. પણ હવે આ મીઠાઈ ચાખવી પણ દરેકના ખિસ્સાને પોસાય એમ નથી. એક પીસ ખાવા માટે રૂ.500 ચૂકવવા પડશે. લખનઉ સિટીની એક દુકાનમાં રૂ.50,000ની કિલો લેખે ગોલ્ડન મીઠાઈ ગ્રાહકોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે. મીઠાઈ આટલી મોંઘી હોવા છતાં લોકોમાં આ મીઠાઈનો સારો એવો ક્રેઝ છે. માત્ર લખનઉમાંથી જ નહીં આસપાસના શહેરમાંથી પણ લોકો મીઠાઈ બુક કરાવી રહ્યા છે. આ અંગે મીઠાઈના દુકાનદાર કહે છે કે, એક્સોટિકા નામની આ મીઠાઈમાં 24 કેરેટ ગોલ્ડ છે. જેમાં કિન્નૌરનો માવો, કાશ્મીરી કેસર, મેકડામિયા નટ્સ તથા બ્લુ બેરીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. મીઠાઈનું પેકિંગ પણ એક રાજાશાહી અંદાજમાં કરવામાં આવે છે. ગોલ્ડ ફોઈલમાં પેક થયેલી આ મીઠાઈ રાજા-મહારાજાને જે રીતે એક પેટીમાં રજૂ કરવામાં આવે છે એમ ગ્રાહકોને વેચવામાં આવે છે. મીઠાઈનો ઠાઠ જોઈને રાજવીયુગની યાદ આવી જશે.
સામાન્ય રીતે દિવાળીના તહેવાર નજીક આવતા લોકો પોતાને ત્યાં પરવડે એવી મીઠાઈની ખરીદી કરતા હોય છે. તો કેટલાક પરિવારોમાં હજું પણ ઘરે મીઠાઈ બનાવવાની પ્રથા છે. એવામાં સોનાની આ મીઠાઈએ સમગ્ર લખનઉને ઘેલુ લગાડ્યું છે. ઘણા લોકો ડિસપ્લેમાં મૂકેલી મીઠાઈને જોવા માટે ભીડ લગાવે છે. દુકાનકારે આ દિવાળી નિમિતે એક વેબસાઈટ પણ શરૂ કરી દીધઈી છે. જેની મદદથી કોઈ પણ વ્યક્તિ આ મીઠાઈનું ઓનલાઈન બુકિંગ કરાવીને ઓર્ડર મેળવી શકે એમ છે.