સૌરાષ્ટ્રના રાજકોટમાંથી ઘરકંકાસનો એક મોટો કિસ્સો પોલીસ ચોપડે નોંધાયો છે. જેમાં એક પુત્રવધૂએ સાસુને કહ્યું હતું કે, તુ મરી કેમ નથી જતી. સાસુને આ વાત લાગી આવતા તેણે અગ્નિસ્નાન કરી લીધું હતું. આમ સાસુએ જીવન ટૂંકાવી દીધું હતું. રાજકોટ શહેરના આજીડેમ પાસે રહેતી લક્ષ્મીબેન રમેશભાઈ પૂજાભાઈ બથવાર એના દીકરા-વહૂ સાથે રહેતા હતા. પુત્રવધૂ વૈશાલીએ સાસુને કહ્યું હતું કે, તું મરી કેમ નથી જતી.
પોલીસ ફરિયાદ અનુસાર પુત્રવધૂ સામે 306ની કલમ અંતર્ગત ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. મૃતક મહિલાના પતિ રમેશભાઇએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, અમે પુત્ર ચિરાહ અને તેની પત્ની વૈશાલી સાથે રહેતા હતા. પુત્ર ચિરાગ અને હું પથ્થર ભાંગવાનું કામ કરીએ છીએ. પરિવારમાં બીજી ત્રણ દિકરીઓ છે. જે સાસરે છે. પાંચ વર્ષ પહેલા મારા સાળા ભુપગઢ રહેતાં જીતેન્દ્રભાઇની દિકરી વૈશાલી સાથે ચિરાગના લગ્ન સાથે થયા હતા. બંને થકી સંતાનમાં એમને એક દીકરો છે. દીકરાના જન્મબાદ અવારનવાર વૈશાલી અને લક્ષ્મીબેન વચ્ચે તકરાર થતી હતી. બોલાચાલી થતી હતી. મારા દીકરા ચિરાગનું ઘર બગડે નહી, સંસાર તૂટે નહીં એ માટે મારી પત્ની સહન કરતી હતી. ઘણી વખત તો વૈશાલીએ મારા ઘરવાળાને એટલે કે તેની સાસુ પર હાથ ઉપાડી લીધો હતો. મારામારી કરી નાંખતી હતી. એ પછી ઝઘડા કરીને તે તેના માવતરે જતી રહી. અમે ફરીથી સમાધાન કરીને એને તેડી લાવ્યા હતાં. થોડા દિવસ પહેલા વૈશાલીએ મારા લક્ષ્મીબેન સાથે મારામારી કરી એના મોઢા પર સાવરણો ફટકારી દીધો હતો. ગુસ્સામાં આવીને કહ્યું હતું કે, તું મરી કેમ નથી જાતી?
માથાકુટ બાદ વૈશાલી એના પીયરમાં ભુપગઢ રહેવા માટે જતી રહી. એ પછી શુક્રવારે સવારે હું અને મારો દીકરો સવારે કામે ગયા હતાં. એ સમયે આ ઘટના બની ગઈ હતી. સવારે દસેક વાગ્યે મારી પત્નિ લક્ષ્મીબેને અગ્નિસ્નાન કરી લીધું હતું.