કેન્દ્ર સરકરાની ડિસઈન્વેસ્ટમેન્ટ પ્રક્રિયા હજું પણ યથાવત છે. આ નાણાકીય વર્ષ પૂર્ણ થાય એ સુધીમાં જાહેરા ક્ષેત્રની એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા તરફથી સંચાલિત 13 એરપોર્ટના ખાનગીકરણની પ્રક્રિયા પૂરી કરવાની યોજાના છે. એરપોર્ટ ઓથોરિટીના ચેરમેન સંજીવ કુમારે એક મુલાકાતમાં જણાવ્યું હતું કે, અમે નાગરિક ઉડ્ડયન મંત્રાલયને ખાનગીકરણ માટે 13 એરપોર્ટનું લીસ્ટ આપ્યું છે. જે તમામને પીપીપીના આધાર પર તૈયાર કરાશે. આ માટે ખાસ બિડિંગ પણ કરવાનું રહેશે.
અમારી યોજના ચાલું નાણાકીય વર્ષ પૂર્ણ થતા સુધીમાં એરપોર્ટની બિડિંગ પ્રક્રિયા પૂરી કરવાની છે. બિડિંગ માટે પેસેન્જરદીઠ રેવન્યૂ મોડલ અપનાવાશે. આ પહેલા પણ આ મોડલનો ઉપયોગ થઈ ચૂક્યો છે. તે સફળ પુરવાર થયું છે. દિલ્હીના જેવાર એરપોર્ટની બિલ્ડિંગ પ્રક્રિયા પણ આ જ મોડેલના આધારે કરવામાં આવી હતી. કોવિડની અસર ટૂંકાગાળા માટેની છે. એ જોતા એરપોર્ટને બિડર્સ મળી રહેશે. સફળ બિડર્સને 50 વર્ષ સુધી એરપોર્ટનું સંચાલન સોંપવામાં આવશે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા એ સાત નાના એરપોર્ટને છ નાના એરોપોર્ટ સાથે ભેગા કરવાનો નિર્ણય કર્યો છે. જેના ભાગરૂપે કષિનગર તથા ગયા એરપોર્ટને વારાણસી સાથે મર્જ કરી દેવાશે. જ્યારે અમૃતસર એરપોર્ટને કાંગડા, ભૂવનેશ્વરને તિરૂપતિ, રાયપુરને ઔરંગાબાદ, ઈન્દૌરને જબલપુર તથા ત્રિચીને હુબલી સાથે મર્જ કરી દેવાશે. સરકારના મોનેટાઈઝિંગ પ્લાન અંતર્ગત ચાર વર્ષમાં 25 એરપોર્ટ મોનેટાઈઝિંગ યોજના ધરાવે છે. જેમાં કુલ 13 એરપોર્ટનો સમાવેશ થાય છે. વર્ષ 2019માં અદાણી ગ્રૂપને છ એરપોર્ટનું સંચાલન સોંપવામાં આવ્યું હતું. જે ખાનગીકરણનો બીજો તબક્કો હતો.
એ પહેલા વર્ષ 2005-2006માં દિલ્હી, મુંબઈ, બેંગ્લુરૂ અને હૈદરાબાદ એરપોર્ટનું સંચાલન ખાનગી ઓપરેટર્સને સોંપી દેવામાં આવ્યું હતું. ઉદારીકરણના ભાગરૂપે નફો કરતા એરપોર્ટનું ખાનગીકરણ કરવા નિર્ણય લેવાયો છે. એરપોર્ટ ઓથોરિટીની કામગીરીના નવા વિસ્તારમાં નવા એરપોર્ટ તૈયાર કરવાની યોજના છે. ખાનગી કંપની દેશના જે ભાગમાં એરપોર્ટ સંચાલન નહીં કરવા માગતી હોય ત્યાં એરપોર્ટ ઓથોરિટી પોતાના કાર્યક્ષેત્રનો વિસ્તાર કરી દેશે.