દિવાળીના તહેવારમાં લોકો મોટાભાગે ઘરની સાફ સફાઈ કરતા હોય છે. પરંતુ સાફ-સફાઈમાં ઘણી વખત થોડી પણ બેદરકારી વ્યક્તિ માટે જીવલેણ પુરવાર થઇ શકે છે. આવી જ એક ઘટના મહાનગર સુરતના વરાછામાંથી સામે આવી છે. જ્યાં એક મહિલા ત્રીજા માળેથી ઘરની સાફ સફાઈ કરતા સમયે જમીન પર પટકાઈ હતી. મહિલાને આ ઘટનામાં માથાના ભાગે ગંભીર ઈજા થતા મોત નીપજ્યું છે.
સુરતના વરાછા વિસ્તારમાં આવેલી અનુરાધા સોસાયટીમાં રહેતા 55 વર્ષીય લલીતા જોગણી ઘરની સાફ-સફાઈ કરી રહ્યા હતા. ઘરની બાલકનીની સાફ સફાઈ કરતા હતા ત્યારે એકાએક જ સંતુલન ગુમાવતા તેઓ ત્રીજા માળ પરથી જમીન પર પટકાયા હતા. આ ઘટના બની તે સમયે ઘટના સ્થળની નજીક એક યુવક તેની બાઈક લઈને ઉભો હતો. લલીતાબેન જમીન પર પડતા થોડા સમય માટે યુવક પણ હેબતાઈ ગયો હતો. યુવકના હોંશ ઊડી ગયા હતા. સોસાયટીના લોકો આસપાસ એકઠા થઇ ગયા હતા અને ઈજાગ્રસ્ત થયેલા લલીતા જોગણીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ડૉક્ટરોની તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, લલીતા જોગણીને ત્રીજા માળેથી પડવાના કારણે માથાના ભાગે ગંભીર ઇજા થઇ છે અને આ ઈજાથી તેમનું મોત થયું છે. એવી પણ માહિતી મળી રહી છે કે, લલીતા જોગાણી મૂળ ભાવનગરના ગારિયાધારના સતડા ગામના વતની હતા.