રસ્તાના કામમાં ચાલતી ધીમી ગતિ કેવી હોય એના પુરાવા જેવી ઘટના સામે આવી છે. વિકાસની ગતિને વેગ આપવા નવસારીમાં રિંગ રોડ એ મોટી ભૂમિકા ભજવી શકે છે. પણ પાલિકાના શાસક અને વહીવટી તંત્રની ઉદાસીનતાને કારણે મુદ્દો રાજકીય રીતે અટકી પડ્યો હતો. નવસારીમાં 10 વર્ષ જૂના રિંગરોડનું કામ ટલ્લે ચડાવી દેવાતું હતું. હવે 10 વર્ષ પછી આ કેસમાં કોઈ પ્રગતિ જોવા મળી છે. જે કામ 10 વર્ષ પહેલા શરૂ કરાયું હતું. એ હવે પૂર્ણ કરવા માટે ધમપછાડા થઈ રહ્યા છે.
નગર પાલિકા તંત્રને 10 વર્ષ પછી શહેરમાં રિંગરોડનું કામ યાદ આવ્યું છે. જેની બાકી રહી ગયેલી લેન શરૂ કરવા માટે તંત્રએ હવે કામ શરૂ કર્યું છે. રૂ.1 કરોડ 45 લાખ મંજૂર કરી ફરી નવો રસ્તો તૈયાર કરવા માટે આયોજન થયું છે. 10 વર્ષ અગાઉ સૌપ્રથમ મુખ્યમંત્રી સડક યોજના હેઠળ રિંગરોડને લીલી ઝંડી આપી દેવામાં આવી હતી. જે નવસારી શહેરના વિરાવળ ભેસટખાડા સુધી તૈયાર થયો. 850 મીટરના રિંગરોડમાંથી 400 મીટરનો રસ્તો તૈયાર થયો હતો. નવસારી નગરપાલિકાનો અત્યંત મહત્વાકાંક્ષી તરીકે રિંગરોડનો પ્રોજેક્ટ મુખ્ય માનવામાં આવે છે. નવસારી શહેરના પ્રકાશ ટોકીઝથી રૂસ્તમવાળી, વિરાવળ, ભેંસતખાડા થઈ ઈસ્લામપુરા સુધીનો રીંગરોડ મંજૂર થયેલો હતો. જેમાં ભેંસતખાડાથી આગળ જવા માટે કોઈ રસ્તો બન્યો નથી.

એ પછી રિંગરોડના કામમાં એક મોટી બ્રેક લાગી ગઈ હતી. ત્યાર બાદ બીજા તબક્કામાં પાલિકાએ વિરાવળથી પ્રકાશ ટોકીઝ સુધીના રસ્તાને પરવાનગી આપી દીધી છે. 10 વર્ષ અગાઉ જે રિંગરોડ વિરાવળથી ભેસ્તખાડાનો સિંગલ ટ્રેક હતો. જેમાં બીજી લેન શરૂ કરવાની માગ હતી પણ કંઈ કામ થયું નહીં. હવે 10 વર્ષ બાદ પાલિકા તંત્રને બ્રહ્મજ્ઞાન થતા બીજી લેન શરૂ કરવાનું કામ યુદ્ધના ધોરણે ચાલું કરી દીધું છે. આ માટે પાલિકાએ 1 કરોડ થી વધુની રકમ ફાળવી દીધી હોવાનું જાણવા મળ્યું છે. શહેરમાં અધૂરા રહેલા રસ્તા અને વધતા જતા અતિક્રમણ પર પાલિકા કેવો અને કેવી રીતે રસ્તા કાઢશે એ અંગે પ્રશ્નો વિપક્ષ પૂછે છે.
નવસારી શહેરના ફરતે રીંગ રોડ બનાવવા તમામ ભંડોળ આપીને કામ પુર્ણ કરવા રાજ્ય સરકારે આદેશ કર્યા છે. ત્રણ તબક્કામાં કામ પૂર્ણ કરી દેવાનું છે. પણ પહેલા તબક્કા બાદ મોટી બ્રેક લાગી ગઈ હતી. 10 વર્ષ વીતવા છતા પાલિકા એ શહેરને એક પણ રિંગરોડની ભેટ આપી શકી નથી. પાલિકાના શાસકો અને વહીવટી તંત્રની આંતરિક ખેંચણાણ કહેવી કે આળસ જેને કારણે શહેરના મહત્ત્વના રિંગરોડનું કામ ટલ્લે ચડ્યું હતું. બીજી તરફ ટ્રાફિકની સમસ્યા વણસી રહી છે. જો આ રિંગરોડનું કામ પૂર્ણ થાય અને બંને તરફની લેન શરૂ થઈ જાય તો એક મોટો ટ્રાફિક ડાઈવર્ટ થઈ શકે એમ છે. શાસકો શહેરનો વિકાસ ઈચ્છે છે ? કે પછી અધોગતી? આવા સવાલ નવસારી વિપક્ષે કર્યા છે.