છેલ્લા બે દિવસથી ઉત્તરાખંડમાં વરસી રહેલા ભારે વરસાદના કારણે સમગ્ર પંથક મેઘ કહેર જોવા મળી છે. હવામાન ખાતાએ તા. 19 ઓક્ટોબર માટે પણ ભારે વરસાદ માટે ઓરેન્જ અલર્ટ જાહેર કર્યું છે. અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની સાથે સાથે ઉત્તરકાશી, ચમોલી, રુદ્રપ્રયાગ, બાગેશ્વર, પિથૌરાગઢના 3500 મીટરથી ઊંચા વિસ્તારોમાં બરફવર્ષાની પણ ચેતવણી છે. નૈનીતાલના રામગઢમાં વાદળ ફાટ્યું છે. જેના કારણે અનેક લોકો કાટમાળ નીચે દબાયા છે. રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ છે. રસ્તા પર જાણે ધોધ વહી રહ્યો હોય એવા દ્રશ્યો જોવા મળ્યા છે.
નૈનીતાલના એસએસપી પ્રીતિ પ્રિયદર્શિનીએ કહ્યું કે રામગઢમાં વાદળ ફાટવાની ઘટના બની છે. જેમાં કેટલાક લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ તમામને રેસ્ક્યૂ કરીને હોસ્પિટલમાં એડમીટ કરાયા છે. કેટલા લોકો ઘાયલ છે તે હજુ જાણી શકાયું નથી. આ બધા વચ્ચે ચારધામ યાત્રા માટે આવેલા તીર્થયાત્રીઓને હરિદ્વાર અને ઋષિકેશમાં રોક્યા છે. હવામાન ચોખ્ખુ થયા બાદ જ તેમને કેદારનાથ, બદ્રીનાથ માટે રવાના કરાશે. ભારે વરસાદથી રસ્તાઓ પાણીમાં ડૂબાડૂબ છે. ટ્રેક્ટરથી લઈને કાર સુધી બધુ પાણીમાં વહેતું જોવા મળી રહ્યું છે. ઋષિકેશમાં જ્યાં ગંગા ઉછાળા મારી રહી છે ત્યાં નૈનીતાલમાં તળાવનું પાણી માલ રોડ પર આવી ગયું છે. ગંગા અને તેની સહાયક નદીઓ રૌદ્ર સ્વરૂપમાં છે.