ગાંધીનગરમાં આવેલા જાણીતા રૂપાલ ગામમાં વર્ષોની પરંપરા મુજબ જ સ્થાનિક લોકોની ઉપસ્થિતિમાં દશેરા પર્વ પર વરદાયિની માતાની ‘પલ્લી’ નીકળી હતી. કોરોનાકાળ પછી વર્ષોની પરંપરા મુજબ, પલ્લી પર્વ પર ઘીની નદીઓ ગામમાં વહી હતી. પલ્લી નીકળે એ પહેલાં જ આનંદનો માહોલ ગામમાં છવાયો હતો. ગામમાંથી ઘી એકઠું કરવામાં આવ્યું હતું.
રાત્રે 12 વાગ્યે રૂપાલની પલ્લી નીકળી હતી. જેમાં ગામ બહારની વ્યક્તિઓને પ્રવેશ આપવામાં આવ્યો ન હતો. ગત વર્ષની જેમ આ વર્ષે પણ ફક્ત ગામના લોકોએ કોરોનાકાળની ગાઈડલાઈન્સ પ્રમાણે પૂજા કરી પરંપરા જાળવી રાખી હતી. દુનિયાભરમાં પ્રખ્યાત રૂપાલ ગામમાં સદીઓથી નીકળતી પલ્લી માટે સવારથી તૈયારીઓ શરૂ કરી દેવાઈ હતી. ખીજડાના ઝાડમાંથી પરંપરા મુજબ પલ્લી તૈયાર કરવામાં આવી હતી. શરૂઆતમાં પલ્લી તૈયાર થઈ ગયા પછી વિધિવત રીતે માતાજીની ધૂન બોલાવવામાં આવી હતી. એક આખા દિવસ સુધી આ પર્વની તૈયારીઓ કરવામાં આવી હતી.
પરંપરા જળવાતા લોકોમાં આનંદ જોવા મળ્યો હતો. સ્થાનિક કક્ષાએ પણ ભીડને કારણે પગ મૂકવાની જગ્યા ન હતી. સમાજના લોકોએ તગારા ભરી ભરીને ઘી એકઠું કર્યું હતું. પલ્લી સમયે ઘીનો અભિષેક થાય એ સમયે લોકો ઘીથી તરબોળ થઈ ગયા હતા. લોકોએ પણ પોતાનાં ઘરો કે ચોકમાં જ પલ્લીનાં દર્શન કર્યાં તેમજ મોટી સંખ્યામાં માતાજીની પલ્લીમાં ગ્રામજનો જોડાયાં હતાં.