પૂર્વ પ્રધાનમંત્રી ડૉ.મનમોહનસિંહની તબીયત લથડતા તેમને દિલ્લીની એઈમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. પૂર્વ પ્રધાનમંત્રીને છેલ્લા ત્રણ દિવસથી તાવ આવી રહ્યો છે. તેમને એઈમ્સના હૃદયરોગ વિભાગમાં દાખલ કરવામાં આવ્યાં છે. જણાવવામાં આવી રહ્યું છે કે, તેમનું સંપૂર્ણ ચેકઅપર કરાશે. પૂર્વ પ્રધાનમંત્રી બે સપ્તાહ પહેલા 26 સપ્ટેમ્બરના રોજ 89 વર્ષના થયા છે.
સુત્રના જણાવ્યા પ્રમાણે બે દિવસ પહેલા તેમને તાવ આવી રહ્યો હતો અને આજે તબીબોની સલાહના આધારે તેમને દાખલ કરવામાં આવ્યાં છે. તેમને તબીબોની દેખરેખમાં રાખવામાં આવ્યાં છે. ચિંતા કરવાની કોઈ વાત નથી. આ વર્ષે એપ્રિલ મહિનામાં મનમોહનસિંહ કોરોનાથી સંક્રમિત થયા છે અને એઈમ્સમાં થોડા દિવસોની સારવાર બાદ તેમને રજા આપવામાં આવી હતી. પૂર્વ પ્રધાનમંત્રીએ ચાર માર્ચ અને ત્રણ એપ્રિલના રોજ કોરોનાની રસી લીધી હતી.
વિતેલા વર્ષમાં ઘણી નવા દવાના કારણે રિએક્શન અને તાવ આવ્યા બાદ મનમોહનસિંહને એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. મનમોહનસિંહ કોંગ્રેસના વરિષ્ઠ નેતા છે અને હાલમાં તે રાજસ્થાનથી રાજ્યસભાના સદસ્ય છે. તે 2004થી 2014 સુધી દેશના પ્રધાનમંત્રી રહ્યાં છે. પ્રધાનમંત્રીના કાર્યકાળ દરમયાન 2009માં મનમોહનસિંહની એઈમ્સમાં સફળતાપૂર્વકની કોરોનરી બાઈપાસ સર્જરી કરવામાં આવી હતી.