બેટી બચાવો, બેટી પઢાવો અભિયાનના માધ્યમથી છોકરીઓના અધિકારોને માન્યતા આપવા માટે અને છોકરીઓને જાતિય સમાનતા પ્રાપ્ત કરાવવા માટે, સશક્ત બનાવવા માટે તથા સ્ત્રી સશક્તિકરણના હેતુથી આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ પર અમદાવાદ ક્લેક્ટર કાર્યાલયને ગુલાબી રંગની લાઈટ્સથી સુશોભિત કરવામાં આવ્યું છે. આ દિવસનીં કંઈક અનોખી રીતે સેલિબ્રેશન કરવામાં આવ્યું છે.

આમ પણ હાલમાં નોરતા ચાલી રહ્યા છે. શક્તિનું પર્વ ચાલી રહ્યું છે ત્યારે ખરા અર્થમાં આવા દિવસની ઉજવણી કરવી એ શક્તિની ઉપાસનાથી કમ નથી. સમાજમાં સ્ત્રી સાક્ષર હશે તો આવનારો આખો સમાજ સુશિક્ષિત બની રહેશે. આ માટે સરકારે પણ અનેક પ્રકારની સ્ત્રીલક્ષી યોજનાઓ જાહેર કરી છે. બીજી તરફ દેશની દીકરીઓ પણ અસાધારણ કહી શકાય એવા ક્ષેત્રમાંથી સિદ્ધિ પ્રાપ્ત કરીને ડંકો વગાડી રહી છે. અત્યાર સુધી ડિફેન્સ ક્ષેત્રે યુવકનોનો દબદબો રહ્યો છે. પણ હવે ડિફેન્સના જુદા જુદા ક્ષેત્રે મહિલાઓ માટે દ્વાર ખુલ્યા બાદ દેશસેવામાં પણ દીકરીઓ આગળ રહી છે. ખાસ કરીને BSF અને Air Force જેવા ક્ષેત્રમાં યુવતીઓ મોટું કામ કરી રહી છે. કપરી સ્થિતિમાં અને આકરી ટ્રેનિંગમાં પાસ થઈને દેશની સેવા કરી રહી છે. ખરા અર્થમાં આવી દીકરીઓને સલામ છે. જો આંતરરાષ્ટ્રીય સ્તર પર બાલિકા દિવસની ઉજવણી થશે તો બાળપણથી જ છોકરીઓ મજબુત અને માનસિક રીત સશક્ત બની રહેશે.
