આ વર્ષે સૌથી વધારે વરસાદ સૌરાષ્ટ્રમાં પડ્યો છે. તેમ છતાં કોઈ એમ કહે પાણી કાપ રહેશે તો? આવી સ્થિતિ બની છે સૌરાષ્ટ્રના મહાનગર ગણાતા રાજકોટમાં. રાજકોટ શહેરની પ્રજાને છતે પાણીએ પાણીકાપ વેઠવાનો વારો આવ્યો છે. રાજકોટ શહેરમાં સોમવારે ત્રણ વૉર્ડમાં પાણી કાપ રહેશે. મહાનગર પાલિકાએ આ વાત એક યાદીમાં જાહેર કરી દીધી છે. પરિપત્ર અનુસાર પાણીની લાઈનમાં લીકેજ હોવાથી પ્રજાને પાણીકાપ વેઠવાનો વારો આવ્યો છે.
રાજકોટ શહેરના વોર્ડ નં.7, 14 અને 17માં સોમવારે પાણી નહીં આવે. કોર્પોરેશને જાહેર કર્યું છે કે, સોમવારે કુલ ત્રણ વૉર્ડમાં પાણીકાપ રહેશે. સેન્ટ્રલ ઝોન અંતર્ગત અંતર્ગત ભાદર ડેમની નજીક લીલાખા ગામે પાસે 900 MMની લાઈન લિકેજ હોવાથી કામગીરી ચાલું છે. જેના કારણે ત્રણ વૉર્ડમાં પાણી નહીં આવે. પાણી વિતરણ ખોરવાશે તો ફરી પ્રજાને મુશ્કેલી વેઠવાનો વારો આવશે. સારો વરસાદ થતા લોકોએ એવી આશા વ્યક્ત કરી હતી કે, હવે રાજકોટમાં કોઈ પાણીકાપ વેઠવો નહીં પડે. પણ લીકેજના કારણે સ્થિતિ વણસી છે. સોમવારે એક દિવસ પાણીકાપ રહ્યા બાદ મંગળવારથી રાબેતામુજબ પાણી વિતરણ કરી દેવામાં આવશે. રાજકોટના વૉર્ડ નં. 7માં એસ્ટ્રોન સોસાયટી, કિશાનપરા સોસાયટી, જાગનાથ પ્લોટ, ટાગોર રોડ, યાજ્ઞિક રોડ, ત્રિકોણ બાગ, જન કલ્યાણ સોસાયટી, પંચનાથ પ્લોટ, ધર્મેન્દ્ર રોડ મુખ્ય બજાર, સહિતના વિસ્તારનો સમાવેશ થાય છે.
જ્યારે વૉર્ડ નં.17માં નેહરુનગર, ન્યૂ યોગેશ્વર સોસાયટી, પારડી રોડ, 80 ફુટનો રોડ, અટીકા મેઇન રોડ, ન્યુ રામેશ્વર, સહકાર મેઇન રોડ, હસનવાડી, બાબરીયા કોલોની, મોરારીનગર, બાબરીયાનગર, સર્વોદય સોસાયટી, ન્યૂ સુભાષનગર, મ્યુનિસિપલ આવાસ યોજના, ભારતીનગર, હરિદ્વાર માર્ગ, મિનાક્ષી સોસાયટી , રામેશ્વર મેઇન રોડ, ન્યુ મેઘાણીનગર, કલ્યાણનગર, દામજી મેપા પ્લોટ, સાધના સોસાયટી, નારાયણ નગર ઝુપડપટ્ટીનો સમાવેશ થાય છે. આ પહેલા રાજકોટ પાસે એસટી વર્કશોપ પાસે આવેલી પાઈપપાઈનમાં વાલ્વ મૂકવા માટે ગોંડલ રોડ અને ઢેબર રોડ તથા વાવડી, સ્વાતિનગર હેડક્વાર્ટર જેવા વિસ્તારમાં પાણી કાપ મૂકી દેવાયો હતો.