વર્ષમાં બે વાર નવરાત્રિમાં માતાજીની આરાધના કરવામાં આવે છે. આસો મહિનાના શુક્લ પક્ષમાં આવતી નવરાત્રિને શારદીય નવરાત્રી કહેવામાં આવે છે. હિન્દી પંચાગ મુજબ આ વખતે શારદીય નવરાત્રિ તા.7 ઓક્ટોબરથી શરૂ થઈ ગઇ છે. તા.15 ઓક્ટોબર સુધી ચાલશે. માતાજીની પૂજાના નવ દિવસ દરમિયાન, માતાજીને પ્રસન્ન કરવા અને તેમના આશીર્વાદ મેળવવા માટે, ભક્તો તેમના જુદા જુદા સ્વરૂપની પોતાની આસ્થા અનુસાર પૂજા કરે છે. વિવિધ ભોગ લગાવીને મંત્રનો જાપ તથા શ્રદ્ધાથી આરતી કરે છે.
પરંતુ શું જાણો છો કે નવરાત્રિના નવ દિવસો માટે નવ જુદા જુદા રંગના શુભ વસ્ત્રો પણ પહેરવામાં આવે છે. આ શુભ રંગોથી માતાજી પ્રસન્ન થાય છે અને આશીર્વાદ આપે છે. નવ શુભ રંગોનું વિશેષ મહત્વ છે. નવરાત્રિમાં સૌથી પહેલા મા શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે. આ દિવસે પીળા રંગના કપડા શુભ માનવામાં આવે છે. પીળો રંગ કોઈપણ પ્રસંગ માટે શુભ માનવામાં આવે છે. શુભતાનું પ્રતીક આ રંગ છે. માતા બ્રહ્મચારિણીની પૂજા નવરાત્રિના બીજા દિવસે કરવામાં આવે છે. આ દિવસે લીલા રંગના કપડાથી લાભ થાય છે. ત્રીજા દિવસે માતા ચંદ્રઘંટાની પૂજા કરવામાં આવે છે. ગ્રે રંગના કપડાં આ દિવસે પહેરીને મા દુર્ગાને પ્રસન્ન કરી શકો છો. ભગવતી દુર્ગાના કુષ્માંડા સ્વરૂપની પૂજા નવરાત્રીના ચોથા દિવસે કરવામાં આવે છે. આ દિવસે નારંગી રંગના કપડા પહેરવા શુભ માનવામાં આવે છે.
દેવી સ્કંદમાતાની પૂજા પાંચમા દિવસે કરવામાં આવે છે. આ પ્રેમ, સ્નેહ, કરુણા માટે માતાનું સ્વરૂપ જાણીતું છે. આ દિવસે સફેદ રંગના કપડા પહેરવા જોઈએ. નવરાત્રિના છઠ્ઠા દિવસે દેવી કાત્યાયનીની પૂજા કરવામાં આવે છે આ દિવસે માતાને પીળા વસ્ત્રો અર્પણ કરવામાં આવે છે અને ભક્તોએ આ દિવસે લાલ વસ્ત્રો પહેરવા જોઈએ. કાલરાત્રી એટલે કે માતા કાલીની પૂજા નવરાત્રીના સાતમા દિવસે કરવામાં આવે છે. આ દિવસે વાદળી રંગ પહેરવો શુભ છે. આઠમા દિવસે દેવી મહાગૌરીની પૂજા કરવામાં આવે છે, જેને મા દુર્ગાની આઠમી શક્તિ કહેવામાં આવે છે. આ દિવસે ગુલાબી રંગના કપડા પહેરીને પૂજા કરવાનો નિયમ છે. નવરાત્રિના નવમા દિવસે માતા જગદંબાના સિદ્ધિદાત્રી સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. આ દિવસે જાંબલી રંગના કપડા પહેરવા શુભ છે.